<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ધોરાજીમાં ખેલાયો ખૂની ખેલ : પોરબંદરની પી.આર. આંગડિયા પેઢીના માલિક સહિત 3 થી 4 શખ્સોએ પૈસાની લેવડદેવડ મામલે હિમાલય બારૈયા (ઉર્ફે ભોલો કોળી)ને કુહાડીને ધા મારીને મોતને ઘાટ ઉતાર્યો : એક યુવક ઈજાગ્રસ્ત

શાકભાજી વેચનાર યુવાનની ઘાતકી હત્યાથી પંથકમાં ભારે હાહાકાર : તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

(વિનુ જોશી-કિશોર રાઠોડ દ્વારા)જુનાગઢ-ધોરાજી: ધોરાજીના આઈ.ટી.આઈ અને ઓવરબ્રિજ નજીક જાહેર માર્ગ પર જામકંડોરણા ચોકડી પાસે શાકભાજી વેચનાર યુવકની કુહાડીના ઘા મારીને હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.

        આંગડિયામાં આગળ-પાછળ રહેતા પૈસાના હિસાબ અને જૂની અદાવતના કારણે પોરબંદરની પી.આર. આંગડિયા પેઢીના માલિક સહિત 3 થી 4 શખ્સોએ સફેદ કલરની ફોરવ્હીલર કારમાં આવીને હિમાલય બારૈયા (ઉર્ફે ભોલો કોળી) અને અન્ય એક યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

       ગળાના ભાગે કુહાડીના ગંભીર ઘા વાગતા હિમાલય બારૈયાને ગંભીર હાલતમાં પ્રથમ ધોરાજી અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું  કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.જે સારવારમાં છે

         હત્યાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ઘટનાસ્થળે જ પોતાની ફોરવ્હીલર કાર તેમજ કુહાડી અને ધોકા જેવા હથિયારો મૂકીને નાસી છૂટ્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ પહેલા યાર્ડમાં જઈને સાથે માથાકૂટ કરી હાથ ઉપાડ્યો હતો.મૃતક હિમાલય બારૈયા (ઉર્ફે ભોલો કોળી) અને અન્ય સભ્ય રસ્તા પર ખુલાસો પૂછવા ગયા હતા.વાતચીત થાય તે પહેલાં જ કારમાંથી ઉતરેલા શખ્સોએ સીધો જ ગરદનના ભાગે કુહાડી અને લાકડી-ધોકા વડે હુમલો કરી દીધો હતો.

           બનાવની જાણ થતાં જ ધોરાજી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે પંચનામું કરી હુમલામાં વપરાયેલી કાર અને લોહીવાળા હથિયારો કબ્જે લીધા છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

(12:13 AM IST)