હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગર જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં ઈંધણની અવિરત સપ્લાય સુનિશ્ચિત કરવા સમીક્ષા બેઠક યોજાઈ
બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે ૨૫ દિવસનો સમયગાળો રાખવા નિર્ણય : અફવાઓથી દૂર રહી બિનજરૂરી સંગ્રહ ન કરવા નાગરિકોને અપીલ અને કાળાબજાર કરનારાઓ સામે કડક કાર્યવાહીની કલેક્ટરની ચીમકી

જામનગર: જામનગર જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસની ઉપલબ્ધતા તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. પશ્ચિમ એશિયાના સંઘર્ષના કારણે ઊભી થયેલી વૈશ્વિક સ્થિતિ વચ્ચે જિલ્લામાં કોઈ પણ પ્રકારની અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે આ બેઠક બોલાવવામાં આવી હતી. કલેક્ટરે તમામ ઓઈલ અને ગેસ કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ પુરવઠા વિભાગના અધિકારીઓને ઈંધણનો અવિરત પુરવઠો જાળવી રાખવા કડક સૂચનાઓ આપી હતી.
દૈનિક મોનિટરિંગ અને વિતરણ વ્યવસ્થા:
બેઠક દરમિયાન કલેક્ટર કેતન ઠક્કરે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના સ્ટોકની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સમયસર પુરવઠો પહોંચે તે માટે વિતરણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા ભાર મૂક્યો હતો. તંત્ર દ્વારા હાલમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના સ્ટોકનું દૈનિક ધોરણે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર ઈંધણનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ કોઈ પણ પ્રકારના ગભરાટમાં આવ્યા વગર બિનજરૂરી સંગ્રહખોરી કરવી જોઈએ નહીં.
રાંધણગેસના વિતરણમાં નવા નિયમો:
ગેસ પુરવઠાની સ્થિતિ અંગે ચર્ચા કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે એલપીજી સિલિન્ડરના પુરવઠાનું સંતુલન જળવાઈ રહે તે માટે એક ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે ૨૫ દિવસનો ફરજિયાત સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સુરક્ષા અને બચતને ધ્યાને રાખીને સામાજિક સંસ્થાઓ, મધ્યાહન ભોજન કેન્દ્રો, હોસ્પિટલો અને હોસ્ટેલોમાં પાઈપ નેચરલ ગેસ (PNG) કનેક્શન આપવાની કામગીરીને પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી.
કાળાબજાર કરનારા સામે કડક પગલાં:
પુરવઠા વિભાગને અનાવશ્યક સ્ટોકિંગ અટકાવવા અને કાળાબજાર કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ અપાયા છે. કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને અડચણ ન સર્જાય તે રીતે સહકાર આપવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની, જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી. બારડ તેમજ ગેસ એજન્સીઓ અને ઓઈલ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ખાતરના જથ્થાની ઉપલબ્ધતા અંગે પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
