<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

કચ્છના રાપરમાં 'ઘર પાસે ગાળો નહિ બોલવાનું' કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી

પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓ, દિનેશ નરસંગ કોલી અને પરબત પ્રતાપભાઈ કોલીને રાઉન્ડ અપ કરી લીધા

કચ્છ જિલ્લાના રાપર શહેરમાં નજીવી બાબતે એક આશાસ્પદ યુવાનનો જીવ લેવામાં આવ્યો છે. રાપરના મામલતદાર કચેરી પાછળ આવેલા ત્રિકમનગર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. માત્ર ઠપકો આપવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા શખ્સોએ હિંસક સ્વરૂપ ધારણ કરતા પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાપરના ત્રિકમનગર વિસ્તારમાં રહેતો ૨૩ વર્ષીય દયાલ બળદેવભાઈ કોલી રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રવિવારની સાંજે જ્યારે દયાલ પોતાના ઘર પાસે હાજર હતો, ત્યારે પડોશમાં જ રહેતા દિનેશ નરસંગ કોલી અને પરબત પ્રતાપભાઈ કોલી નામના બે યુવકો જાહેરમાં બિભત્સ ગાળાગાળી કરી રહ્યા હતા. પોતાના ઘર પાસે અને પરિવારની હાજરીમાં આ પ્રકારે અભદ્ર ભાષાનો પ્રયોગ થતો જોઈ દયાલે તેમને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે બંને યુવકોને વિનંતી કરી હતી કે, "અહીં ઘર પાસે ગાળો ન બોલો." જોકે, આ સામાન્ય શિખામણ આરોપીઓને આકરી લાગી હતી અને તેઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા.

બોલાચાલીએ જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં આવી ગયેલા દિનેશ અને પરબતે દયાલ પર તીક્ષ્ણ છરી વડે હુમલો કરી દીધો હતો. આરોપીઓએ દયાલના પેટ અને થાપાના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે ગણતરીની મિનિટોમાં જ દયાલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર ઈજાઓ અને વધુ પડતું લોહી વહી જવાને કારણે ૨૩ વર્ષીય દયાલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

 

હત્યાની આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવની જાણ થતા જ રાપર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.

 

પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓ, દિનેશ નરસંગ કોલી અને પરબત પ્રતાપભાઈ કોલીને રાઉન્ડ અપ કરી લીધા છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ગુનાહિત માનસ ધરાવતા હતા કે કેમ અને તેમની વચ્ચે અગાઉ કોઈ અદાવત હતી કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

રીક્ષા ચલાવીને પ્રામાણિકતાથી જીવન જીવતા દયાલના આકસ્મિક અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સામાન્ય બાબતમાં એક યુવાનનો જીવ જવો એ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. રાપરવાસીઓમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે.

(5:28 PM IST)