<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસ સુધી તમામ પ્રકારની જણસીઓની હરાજીની કામગીરી બંધ

31 માર્ચને સાંજે તમામ પ્રકારની જણસીઓની આવક ફરીથી શરૂ કરી દેવાશે : ખેડૂતો મંગળવારે સાંજથી પોતાનો માલ યાર્ડમાં લાવી શકશે

ભાવનગર જિલ્લાના મહત્વના ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આગામી ત્રણ દિવસ સુધી તમામ પ્રકારની જણસીઓની હરાજીની કામગીરી બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ એન્ડિંગ અને રવિવારની રજાના કારણે વહીવટી પ્રક્રિયાઓને પૂર્ણ કરવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો અને વેપારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી યાર્ડના સત્તાધીશો દ્વારા અગાઉથી જ આ અંગેની સૂચના જારી કરી દેવામાં આવી છે.

 

મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, માર્ચ મહિનાના અંતમાં નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી 'માર્ચ એન્ડિંગ'ના હિસાબોની કામગીરી ચાલતી હોય છે. આ ઉપરાંત રવિવારની સાપ્તાહિક રજા પણ આવતી હોવાથી સળંગ ત્રણ દિવસ સુધી હરાજીની પ્રક્રિયા સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સમયગાળા દરમિયાન 30 માર્ચથી 31 માર્ચ સુધી હરાજીની તમામ કામગીરી સત્તાવાર રીતે બંધ રહેશે. આ નિર્ણયનો અમલ ખેડૂત ભાઈઓ, કમિશન એજન્ટો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા તમામ લોકોએ કરવાનો રહેશે.

 

યાર્ડ પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હરાજી બંધ હોવાને કારણે કોઈપણ ખેડૂત ભાઈઓએ પોતાની જણસી લઈને યાર્ડમાં આવવું નહીં. આ અંગે કમિશન એજન્ટો અને ટ્રાન્સપોર્ટરોને પણ માહિતગાર કરવામાં આવ્યા છે જેથી માલના વહન અને સંગ્રહ બાબતે કોઈ અસમંજસ ઊભી ન થાય. ખાસ કરીને ડુંગળી અને અન્ય પાકોની મોટી આવક ધરાવતા મહુવા યાર્ડમાં આ વિરામથી હિસાબી કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાશે.

 

જે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે યાર્ડમાં આવવા માંગતા હોય તેમના માટે સારા સમાચાર એ છે કે આ વિરામ લાંબો નહીં ચાલે. 31 માર્ચ, મંગળવારના રોજ સાંજે તમામ પ્રકારની જણસીઓની આવક ફરીથી શરૂ કરી દેવામાં આવશે. ખેડૂતો મંગળવારે સાંજથી પોતાનો માલ યાર્ડમાં લાવી શકશે, જેની હરાજી બીજા દિવસે એટલે કે બુધવારથી રાબેતા મુજબ ચાલુ થશે.

(7:04 PM IST)