<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

રાજકોટના સાંદીપનિ મણિદ્વીપ સંસ્કૃત વિદ્યાલયના પાંચ ઋષિકુમારોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 'શત સુભાષિત પંડિત'ની પદવી એનાયત

ગાંધીનગર ખાતે આયોજિત રાજ્ય કક્ષાના સન્માન સમારોહમાં મેટોડા ગુરુકુળના તેજસ્વી વિદ્યાર્થીઓએ ૧૦૦ સુભાષિતો કંઠસ્થ કરી મેળવ્યું ગૌરવ : પ્રત્યેક વિજેતાને પદવી સાથે ૨૧,૦૦૦ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપી નવાજવામાં આવ્યા

રાજકોટ:ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત સમ્માન કાર્યક્રમમાં રાજકોટના મેટોડા સ્થિત સાંદીપનિ મણિદ્વીપ સંસ્કૃત વિદ્યાલય - સંસ્કૃત શક્તિ ગુરુકુળના પાંચ તેજસ્વી વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આ ઋષિકુમારોને 'શત સુભાષિત પંડિત'ની પ્રતિષ્ઠિત પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંસ્કૃત ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ:
આ ગૌરવવંતા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ ડૉ. હિમાંજય પાલીવાલ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશભાઈ જહા અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત સેનાપતિ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓની સંસ્કૃત ભાષા પ્રત્યેની રુચિ અને તેમની અદભૂત સ્મરણશક્તિની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

નાની ઉંમરે ૧૦૦ સુભાષિતો કંઠસ્થ કર્યા:
સાંદીપનિ મણિદ્વીપ સંસ્કૃત વિદ્યાલયના પાંચ ઋષિકુમારોએ ગુરુજનોના માર્ગદર્શન અને અથાક પરિશ્રમ દ્વારા નાની ઉંમરમાં જ એક સો (૧૦૦) સુભાષિતો સક્રમ કંઠસ્થ કરીને આ સિદ્ધિ મેળવી છે. સન્માનિત થનાર ઋષિકુમારોમાં (૧) મહેતા હર્ષિત અલ્પેશભાઈ, (૨) મહેતા જયદેવ દર્શનભાઈ, (૩) જોષી ધ્રુવ અશ્વિનભાઈ, (૪) જોષી કેવલ ભાવિનભાઈ અને (૫) પંડ્યા કેશવ જીગ્નેશભાઈનો સમાવેશ થાય છે. આ તમામ વિદ્યાર્થીઓને પદવીની સાથે પ્રોત્સાહન રૂપે ૨૧,૦૦૦ રૂપિયાની રોકડ રકમ પણ પુરસ્કાર તરીકે એનાયત કરવામાં આવી હતી.

સંસ્કાર અને સંસ્કૃતિના જતનનો પ્રયાસ:
રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) દ્વારા પ્રજ્વલિત સંસ્કૃત અને સાંસ્કૃતિક જ્યોતને ઘરે-ઘરે વિસ્તરવા માટે સાંદીપનિ મણિદ્વીપ સંસ્કૃત વિદ્યાલય સતત કાર્યરત છે. સંસ્થાના સંચાલક પ્રવીણભાઈ દવે અને કાર્યકર્તા પરિવારે આ સફળતા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટના મેટોડા વિસ્તારમાં આવેલું આ ગુરુકુળ પ્રાચીન ભારતીય વિદ્યા અને આધુનિક શિસ્તના સમન્વય સાથે વિદ્યાર્થીઓને સંસ્કૃતમાં નિષ્ણાત બનાવી રહ્યું છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ રાજ્ય કક્ષાનું સન્માન પૂરું પાડે છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(10:18 PM IST)