<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

જમ્પ સ્ટાર્ટ દ્વારા કચ્છમાં ઘોરાડનું બચ્ચું જન્મ્યું: રાજસ્થાનથી ઇન્ક્યુબેટરમાં રોડ માર્ગે કચ્છમાં ઈંડું આવ્યું અને ૧૯ દિવસે જન્મ્યું બચ્ચું

હવે ઘોરાડની સંખ્યા ૫ થઈ, વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝન તળે ઘોરાડ પક્ષી બચાવવા માટે આ પ્રોજેક્ટ જીઆઈબી (ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ) શરૂ કરાયો, ઘોરાડ આખા ગુજરાતમાં માત્ર કચ્છમાં જ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ :  એક પક્ષીનું ઈંડું સલામતી માટે રાજસ્થાનથી કચ્છના છેવાડે નલિયા સુધી નવજાત શિશુની જેમ ઇન્ક્યુબેટમાં મૂકી ફ્લાઈટમાં લઈ આવવું કે પછી રોડ રસ્તે લઈ આવવું એવી ચિંતા સરકાર કરે ખરી? પણ હા, ગુજરાત સરકારે એ ચિંતા કરી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘોરાડ એટલે કે ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડની ઘટતી જતી સંખ્યાને બચાવવા ૨૦૧૬ માં પ્રોજેક્ટ જીઆઈબીનું વિઝન દર્શાવ્યુ. કારણ કે, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ તરીકે ઓળખાતા આ પક્ષી ગુજરાતમાં માત્ર કચ્છમાં જ જોવા મળે છે. નલિયા પાસે તેની અલાયદી સેન્ચુરી છે. જોકે, આ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સેન્ચુરીમાં ઘોરાડ પક્ષીની ઘટતી જતી સંખ્યા અને આ સેન્ચુરીમાં ઈંડું ફલિત ન થવાની ઘટનાથી ઘોરાડ પક્ષી લુપ્ત થાય એવી પરિસ્થિતિ હતી. અહીં છેલ્લા ૧૦ વર્ષ થયા માદા ઘોરાડ ઇંડા મૂકતી હતી પરંતુ નર ઘોરાડ ન હોઈ એ ઇંડા ફલિત થતાં નહોતા એટલે કે બચ્ચુ જન્મતું નહોતું. ભારતમાં ઘોરાડ પક્ષી ગુજરાત બાદ માત્ર રાજસ્થાનમાં જ હોઈ ગુજરાત સરકારે વન વિભાગ સાથે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સહયોગથી રાજસ્થાન સરકારના જેસલમેર ખાતે આવેલ બ્રીડિંગ સેન્ટરનો સહકાર મેળવ્યો. જેસલમેરથી ૨૨ માર્ચના રોજ ઘોરાડનું ઈંડું કચ્છ લવાયું. એર લિફ્ટમાં સમય જાય એમ હોઈ તેને ખાસ ઇન્ક્યુબેટરમાં મૂકી કચ્છમાં લવાયું. જેસલમેરથી નલિયા ૧૯ કલાકે પહોંચેલા આ ઇંડાને માદા ઘોરાડના માળામાં મૂકવામાં આવ્યું. માદા ઘોરાડ દ્વારા ઈંડાનું કુદરતી રીતે સેવન કરાયા બાદ ૪ દિવસે તેમાંથી બચ્ચું જન્મ્યું. રાજ્ય સરકાર અને કચ્છ જિલ્લાના વન વિભાગ દ્વારા આ માટે કરાયેલા પ્રયાસો સફળ બનતા હવે કચ્છની ઘોરાડ સેન્ચુરીમાં લાંબા ગાળા બાદ બચ્ચાનો કલશોર સંભળાઈ રહ્યો છે.

(9:38 AM IST)