તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
આજનો અભિમન્યુ સર્વમ : ગર્ભ સંસ્કાર થકી 9 મહિનાના બાળકને 240 વસ્તુ યાદ,ગાંધીજી, મહર્ષિ દયાનંદને ઓળખી બતાવે
બીસીએ સુધીનો અભ્યાસ કરનાર માતાએ ગર્ભાવસ્થા દરમિયાન ભગવદ્દ ગીતા કાપડ પર કંડારી, બાળકના જન્મના સાતમા દિવસથી જ જ્ઞાન આપવાનું શરૂ કરતા અદભુત પરિણામ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૩૦ : સાંપ્રત સમયમાં સનાતન સંસ્કૃતિ વિષે ખુબ જ ચર્ચા થાય છે પરંતુ હકીકતમાં હિન્દુ શાસ્ત્ર અને સનાતન સંસ્કૃતિના ગુણ જીવનમાં ઉતારવામાં આવતા નથી.
જો કે, ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારા તાલુકાના હરીપર ગામમાં જન્મેલ નવલિકાબેન નિષિધભાઈ ભાગીયા નામની ખેડૂત પરિવારની ભણેલી-ગણેલી દીકરીએ જીવનને શુદ્ધ અને સુસંસ્કૃત બનાવવાની સાથે હિન્દૂ શાસ્ત્રના સોળ સંસ્કારનું પાલન કરવા નિશ્ચય સાથે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાધાન સંસ્કાર કરી સંપૂર્ણ ભગવદ્દ ગીતા કાપડ પર કંડારી ગર્ભસ્થ શિશુને અભિમન્યુની જેમ ગર્ભમાં જ જ્ઞાન આપવા ધાર્મિક વાંચન, સુપાચ્ય ખોરાક સહિતની બાબતોની કાળજી લેતા સર્વમ નામના પુત્રનો જન્મ થયો છે.
પુત્રના જન્મ બાદ સાતમા દિવસથી જ મ્યુઝિક થેરાપી, દૈનિક યજ્ઞ અને ચિત્રદર્શન થકી બાળકની સમજની કેળવણી શરૂ કરતા આજે માત્ર નવ મહિનાની ઉંમર ધરાવતો સર્વમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, મહર્ષિ દયાનંદ સરસ્વતી, શહીદ ભગતસિંહ સહિતના 10 મહાપુરુષોને આસાનીથી ઓળખવાની સાથે ફળ, ફૂલ, રંગ, ઘર ઉપયોગી વસ્તુઓ, પ્રાણીઓ, જુદા-જુદા આકાર તેમજ શરીરના અંગોને ઓળખી બતાવે છે.
સર્વમનો આઈક્યૂ એટલો ઉંચો છે કે, નવ માસની ઉંમરે 240 જેટલી વસ્તુઓ, વ્યક્તિઓ ઓળખી બતાવે છે એ પણ ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં.
જીવનથી મૃત્યુ સુધીમાં સોળ સંસ્કાર
હિન્દુશાસ્ત્ર મુજબ માનવજીવનમાં કુલ 16 સંસ્કાર મહત્વના હોય છે જેમાં ઉત્તમ સંતાન માટે ગર્ભાધાન સંસ્કાર, ગર્ભસ્થ શિશુના માનસિક અને શારીરિક વિકાસ માટે ગર્ભધારણના બીજા કે ત્રીજા મહિને પુંસવન સંસ્કાર, ગર્ભની રક્ષા માટે સીમંતોન્નયન સંસ્કાર,બાળકનો જન્મ થાય ત્યારે જાતકર્મ સંસ્કાર,નામકરણ સંસ્કાર,બાળકને પ્રથમ વખત ઘરની બહાર સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવવા નિષ્ક્રમણ સંસ્કાર,બાળકને પ્રથમ વખત અન્ન આપતા સમયે અન્નપ્રાશન સંસ્કાર, ચૂડાકર્મ,કર્ણવેધ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વેદ્યારંભ સંસ્કાર,કેશાંત સંસ્કાર, સમાવર્તન સંસ્કાર,વિવાહ સંસ્કાર અને મૃત્યુ બાદ અંત્યેષ્ટિ સંસ્કાર મળી કુલ સોળ સંસ્કાર થાય છે.
દરેક બહેનો ગર્ભ સંસ્કાર અવશ્ય કરે : નવલિકાબેન
નવલિકાબેન કહે છે કે, દરેક પચ્ચીસ વર્ષે પેઢી બદલાય છે, આવનારા સમયની પેઢી માટે ધન-દોલત નહીં પરંતુ કુશાગ્ર બુદ્ધિ મહત્વની સંપત્તિ સાબિત થશે. જેની બુદ્ધિમતા શ્રેષ્ઠ હશે તે વ્યક્તિ જ ભણતર અને ગણતર સાથે સર્વાઇવ થઇ શકશે જેથી આજની યુવા પેઢીના બહેનોને મારી સલાહ છે કે તેઓ પોતાના બાળકને ઉત્તમ નહીં અતિ ઉત્તમ બનાવવા ખર્ચ વગર થઇ શકે તેવી ગર્ભસંસ્કારની વિધિ કરવાની સાથે સંસ્કૃતિ જાળવવા બાળકમાં સંસ્કારનું સિંચન કરે.
નવ માસના સર્વમને મળે છે દૈનિક એક કલાકનો અભ્યાસ
માત્ર નવ મહિનાની ઉંમરમાં જ ઘર ઉપયોગી ચીજવસ્તુઓથી લઇ રાષ્ટ્રની મહાન વિભૂતિઓને ઓળખી બતાવતા સર્વમને આ સિદ્ધિ એમ જ નથી મળી સર્વમના માતા નવલિકાબેન દરરોજ નિયમિત રીતે એક કલાક સુધી સર્વમને રાગ રાગીણી સાથેની મ્યુઝિક થેરાપી, દૈનિક યજ્ઞ, યોગ, મેડિટેશન, સહિતની બાબતો શીખવે છે.નવલિકાબેન કહે છે કે, અઘરું કઈ જ નથી જો તમે મનથી નિશ્ચય કરો તો બધું જ શક્ય છે.
ઉચ્ચ અભ્યાસ કરવા છતાં 42 લોકોના સંયુક્ત પરિવાર સાથે ગામડું પ્રિય
આજના સમયમાં દીકરીઓને પરણીને ગામડામાં સાસરે જવું ગમતું નથી ત્યારે બીસીએ સુધીનો અભ્યાસ કરી કેમ્પસ ડાયરેક્ટરની નોકરી કરનાર નવલિકાબેન ભાગીયાએ જીવનભર ગામડા જ રહેવાનું પસંદ કરી 42 લોકોના સંયુક્ત પરિવારમાં રહે છે.નવલિકા બહેન કહે છે કે, શુદ્ધ હવા, પાણી, ખોરાક જોઈતા હોય તો ગામડું બેસ્ટ. હું મારા બાળકોને ગાયનું ચોખ્ખું દૂધ પીવડાવવાની સાથે અન્ય લોકોને પણ શુદ્ધ દૂધ મળે તે માટે મયુર ડેરી મોરબીના હરીપર ભૂતકોટડા દૂધ મંડળીના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે.
નવલિકાબેન સાસુ-વહુના શ્રેષ્ઠ સંબંધનું પણ ઉદાહરણ
આજના સમયમાં થોડો ઘણો અભ્યાસ કરીને સાસરે જતી દીકરી સાસરામાં આવ્યા બાદ હું કહું તેમ જ થાય તેવી માન્યતા ધરાવતી હોવાથી સાસુ-વહુના સંબંધોમાં તિરાડ પડવાના બનાવ ઘેર-ઘેર જોવા મળે છે. જો કે, પરણીને સાસરે આવેલા નવલિકાબેન અનોખી માટીના છે. ખેતરમાં પાણી વાળવાથી લઈ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર સુધીની સફર કરી હોવા છતાં પરણ્યા પછી પોતાના માટે કપડાંની ખરીદી કરવા તેઓ નથી જતા. સાસુ સસરા સમગ્ર પરિવારની ખરીદી કરે ત્યારે ભાગીયા પરિવારની વહુઓ માટે ખરીદી થાય છે અને વડીલોની પસંદ શ્રેષ્ઠ જ હોય તેવી માન્યતા સાથે જિંદગી જીવતા નવલિકાબેનને સાસરિયામાં ક્યારેય ખટાશ ન અનુભવી હોવાનું જણાવી સમાજની દીકરીઓને પણ અનુકૂલન સાધવા સંદેશ આપ્યો હતો.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
