<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

કચ્છમાં અલગ અલગ અકસ્માતોના બનાવમાં ૫ ના મોતથી રાજમાર્ગો બન્યા રક્ત રંજીત

અંજાર પાસે માતાના મઢ જતા પદયાત્રીને કારે હડફેટે લેતાં મોત, ભચાઉમાં રસ્તો ક્રોસ કરતા રાહદારીનો જીવ ગયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : રસ્તાઓ ટુ લેન, ફોર લેન સાથે ભલે પહોળા બન્યા હોય પણ વાહનચાલકો બેકાબૂ બનતા રાજમાર્ગો જોખમી અને રક્ત રંજિત બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી કચ્છમાં બબ્બે બંદરો, ઔદ્યોગિક વિકાસ, માઇનિંગ, બાંધકામ, પવનચક્કીઓના કારણે મોટા વાહનોની અવરજવર વધી છે. પરંતુ દુઃખદ હકીકત એ છે કે માર્ગ અકસ્માતોનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. રસ્તા ઉપર પગપાળા ચાલવું પણ જાણે સલામત નથી. રસ્તા ઉપર મોત ભમતું હોય એમ ૫ અલગ અલગ અકસ્માતોમાં ૫ માનવ જિંદગીઓ ઉપર પૂર્ણ વિરામ મુકાયું છે. અંજારથી માતાના મઢ પગપાળા દર્શને જતાં ૩૬ વર્ષીય યુવાન પદયાત્રી દામજી મ્યાજર આહીરને અંજારથી થોડે જ દૂર સાપેડા ગામ પાસે ઇનોવા કારના ચાલકે હડફેટે લેતાં તેનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. ભચાઉમાં રસ્તો ઓળંગી રહેલ ૫૩ વર્ષીય આદમભાઈને પૂરપાટ આવતી ટ્રકે હડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું. માંડવીના કોડાય ગામથી ઘેર બિદડા ગામે આવી રહેલા ૪૫ વર્ષીય યુવાન મનોજ જખુભાઇ સંઘારની બાઈક કન્ટેનર ટ્રેઇલર સાથે અથડાતા તેનું મોત નીપજ્યું હતું. મુન્દ્રાના રસાપીર સર્કલ પાસે બાઈક ઉપર જતા યુવાન મોહમ્મદ દાઉદને ટ્રેલરે હડફેટે લેતા તેણે જીવ ગુમાવ્યો હતો. અંજારના રતનાલ પાસે ટ્રકે છકડાને હડફેટે લેતા છકડામાં ગુજરી બજારમાં માલ વેંચવા જઈ રહેલા યુવાન સંજય રતિલાલ સથવારાનું મોત નીપજ્યું હતું. અન્ય ૫ જણને ઇજાઓ પહોચી હતી. અલગ અલગ અકસ્માતના આ ૫ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(9:27 AM IST)