News of Monday, 30th March 2026
થાનગઢના ગુગલીયાણામાં કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો : ૭૮.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત
મૃતકના નામે ચાલતું હતું કરોડોનું કોલસા કૌભાંડ : તંત્ર દ્વારા પર્દાફાશ : મૃતક વ્યક્તિની લીઝના નામે ગેરકાયદેસર રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું મસમોટું રેકેટ ઝડપાયું

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા/થાનગઢ, તા.૩૦: થાનગઢ તાલુકાના ગુગલીયાણા સ્થિત કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસમાં ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા અને થાન મામલતદારની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઓફિસમાંથી કુલ ૭૭૪ ગેરકાયદેસર રોયલ્ટી પાસ મળી આવ્યા હતા. ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, આ તમામ રોયલ્ટી પાસ સ્વ. હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવના નામે ઇસ્યુ કરવામાં આવ્યા હતા. હસમુખભાઈનું વર્ષ ૨૦૨૧ માં પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હોવા છતાં, તેમના નામે આવેલી થાનગઢના સર્વે નંબર ૨૦૯ પૈકીની લીઝનો ઉપયોગ કરીને આ કૌભાંડ આચરવામાં આવતું હતું.
ગેરકાયદે ખનનને કાયદેસર બનાવવાનું નેટવર્ક સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરીયા અને ચિત્રલાંક જેવા ગામોમાં આવેલા ગેરકાયદેસર કુવાઓમાંથી કરવામાં આવતું હતું. આ તદ્દન ગેરકાયદેસર કોલસાને કાયદેસરના માલ તરીકે દર્શાવવા માટે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નકલી રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા. આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે ઇન્ડસ્ટ્રીઝના માલિકો કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવના નામ તંત્ર સમક્ષ ખુલતા તેઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
દરોડા દરમિયાન ઓફિસ અને પ્લાન્ટ પરથી ૧ જેસીબી (થ્ઘ્ગ્), ૧ લોડર મશીન, ૪ ચારણા
૧ ક્રશર પ્લાન્ટ, ૧ વજન કાંટો, ૨૦૦ મેટ્રિક ટન કાર્બોસેલ મળી તંત્ર એ તમામ મશીનરી અને કોલસાના જથ્થા સહિત કુલ રૂ.૭૮,૮૦,૦૦૦/- અઠ્યોતેર લાખ એંસી હજાર પુરા નો મુદ્દામાલ સીઝ કરવામાં કર્યો છે.
આ ઓપરેશન બાદ સમગ્ર પંથકના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા આ મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાયદેસરના પગલાં લેવાની તજવીજ હાથ ધરાઈ છે. (તસવીરઃ હેમલ શાહ)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
