<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ચોટીલા સબ ડિવિઝન માટે ૯.૫૦ કરોડના વિકાસ કામોનું આયોજન

નાયબ કલેક્ટર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ત્રણ તાલુકાનો વિકાસનો રોડમેપ તૈયાર કરાયો

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૩૦ઃ ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકાની ‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ (ખ્વ્સ્વ્) અંતર્ગત કાર્યવાહક સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. 
આ બેઠક નાયબ કલેક્ટર ઍચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને અને ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. જેમાં ત્રણેય તાલુકાના સર્વાંગી વિકાસ માટે કુલ રૂપિયા ૯.૫૦ કરોડ (૯૫૦ લાખ) ના કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
બેઠકમાં ભૌગોલિક અને સામાજિક જરૂરિયાતોને ધ્યાને રાખીને તાલુકાવાર જેમા ચોટીલામાં ૪ કરોડ, થાનગઢ ૩.૨૫ કરોડ, મૂળી ૨.૨૫ કરોડ રૂપિયાના કામોને મંજુરી આપવામાં આવેલ છે. જેમા નવી લાઈબ્રેરીઓનું નિર્માણ, શાળાઓ કે જાહેર સ્થળોઍ ભોજન શેડ, સી.સી. રોડ અને પેવર બ્લોકની કામગીરી,ગામડાઓમાં સેનિટેશન સંકુલ અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, રક્ષણ દીવાલ (પ્રોટેક્શન વોલ) અને કમ્પાઉન્ડ વોલ છે.
બેઠકનો મુખ્ય હેતુ તાલુકાની સામાજિક, ભૌગોલિક અને આર્થિક સ્થિતિ મુજબ તેની નબળાઈઓ અને તકોને ઓળખી ‘તાલુકા વિકાસ પ્લાન’ તૈયાર કરવાનો છે.
તમામ ગામોની ‘વિલેજ પ્રોફાઈલ’ તૈયાર કરી વસ્તી, સાક્ષરતા, બી.પી.ઍલ. કુટુંબો અને જમીન વિષયક માહિતી ઍકત્ર કરવામાં આવશે. ગેપ ઍનાલીસીસ શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતોમાં ક્યાં ઘટ છે. તે જાણીને તેને પૂર્ણ કરવામાં આવશે.
ટેકનોલોજીનો ઉપયોગ આ સમગ્ર આયોજનમાં ‘બાયસેગ’ દ્વારા તૈયાર કરવામાં આવતી ભૌગોલિક માહિતી પદ્ધતિ નો ઉપયોગ કરી સચોટ વિકાસ કાર્યો હાથ ધરાશે. બેઠકના અંતે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, આ આયોજનથી તાલુકાના વિકાસની ગતિ તેજ બનશે અને વિલેજ પ્રોફાઈલના માધ્યમથી સરકારી યોજનાઓનું અમલીકરણ વધુ પારદર્શક અને અસરકારક બનશે.(તસવીરઃ હેમલ શાહ)(૨૩.૮)

(11:59 AM IST)