તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 30th March 2026
પોરબંદર જિલ્લાના વિસાવાડા અને હાથિયાણીમાં સિંચાઇ કામોનો પ્રારંભ કરાવતા અર્જુનભાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩૦: વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે જિલ્લાના વિસાવડા અને હાથિયાણી વિસ્તારમાં આશરે રૂ. ૧.૫૨ કરોડથી વધુના ખર્ચના સિંચાઈના કામોનો પ્રારંભ કરાવ્યો હતો.
મંત્રી શ્રીઅર્જુનભાઇના હસ્તે કરવામાં આવેલા આ લોકાર્પણમાં વિસાવડા ગામ પાસે આવેલી ગંગાજળિયા પરકોલેશન ટેન્કના રીસ્ટોરેશનના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત આશરે રૂ. ૮૭.૪૮ લાખથી વધુ છે. આ ઉપરાંત, સુખપુર-હાથીયાણી ગામ નજીક આવેલી ચોરડી વિલેજ ટેન્કના સ્ટ્રેન્થનીંગ (મજબૂતીકરણ) ના કામનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. જેની પાછળ અંદાજે રૂ. ૬૫.૨૧ લાખનો ખર્ચ કરવામાં આવશે.
આ બંને કામો પંચાયત સિંચાઈ વિભાગ, પોરબંદરના દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવશે. આ કામોનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે જળ સંગ્રહની ક્ષમતામાં વધારો કરવાનો અને ભૂગર્ભ જળના સ્તરને ઊંચા લાવવાનો છે, જેથી વિસાવડા અને સુભાષપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને પશુપાલન માટે પાણીની સુવિધા વધુ સુદ્રઢ બની શકે.
મંત્રીશ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, સરકાર જળ સંચયના કામોને પ્રાથમિકતા આપી રહી છે અને આ બંને પ્રોજેક્ટ્સ નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે, જેનો સીધો લાભ આ પંથકના અનેક ખેડૂત પરિવારોને મળશે. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, અગ્રણી રામદેભાઈ મોઢવાડિયા, વિરમભાઇ કારાવદરા,આવડાભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ફેડરેશનના ડિરેક્ટર શ્રી સામતભાઇ ઓડેદરા, કેશુભાઈ, વિગનભાઈ બોખીરીયા, પ્રતાપભાઇ કેશવાલા સહિત સ્થાનિક આગેવાનો, સ્થાનિક સરપંચશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
