<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ગીરસોમનાથ સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપાયું: રૂમના ભાડા બમણા થઇ ગયા

અગાઉ આ સર્કિટ હાઉસમાં એક રૂમનું ભાડું અંદાજે 2,000 થી 2,800 રૂપિયા સુધી વસૂલાતુ હતું હવે ખાનગી સંચાલન હેઠળ રૂમનું શરૂઆતનું ભાડું જ 4,200 રૂપિયા કરી દેવાયું

ગીરસોમનાથ જિલ્લામાં આવતા યાત્રિકો અને મહાનુભાવો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા અત્યાધુનિક સર્કિટ હાઉસના વહીવટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ આલીશાન સર્કિટ હાઉસના સંચાલનની જવાબદારી હવે એક ખાનગી કંપનીને સોંપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલીકરણ સાથે જ પ્રવાસીઓના ખિસ્સા પર ભાર વધ્યો છે, કારણ કે સુવિધાઓની સાથે રૂમ ભાડામાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે, ગીરસોમનાથ ખાતે દરિયાકિનારે અંદાજે 15,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવન પાછળ સરકાર દ્વારા આશરે 30 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવ્યો હતો. તેની ભવ્યતા અને લોકેશનને કારણે તે હંમેશા ચર્ચામાં રહ્યું છે. જોકે આટલા મોટા પ્રોજેક્ટના નિભાવ અને મેન્ટેનન્સ પાછળ  થતો ખર્ચ સરકારી તિજોરી પર ભારણ વધારી રહ્યો હોવાનું જણાતા આખરે તેને ખાનગી ધોરણે ચલાવવાનો નિર્ણય લેવાયો છે.

 

 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સર્કિટ હાઉસના સંચાલનની જવાબદારી 'મેક-વે' નામની ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે. અત્યાર સુધી આ ભવનનું સંચાલન સરકારી વિભાગ હસ્તક હતું, પરંતુ હવે હાઉસકીપિંગથી લઈને બુકિંગ સુધીની તમામ પ્રક્રિયા આ ખાનગી કંપની સંભાળશે. મેન્ટેનન્સનો ખર્ચ નીકળતો ન હોવાથી વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ અને આધુનિક બનાવવા માટે આ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ જેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.

 

 

ખાનગી કંપનીના આગમન સાથે જ પ્રવાસીઓ માટેના દરમાં મોટો તફાવત જોવા મળ્યો છે. અગાઉ આ સર્કિટ હાઉસમાં એક રૂમનું ભાડું અંદાજે 2,000 થી 2,800 રૂપિયા સુધી વસૂલવામાં આવતું હતું. જોકે, હવે ખાનગી સંચાલન હેઠળ રૂમનું શરૂઆતનું ભાડું જ 4,200 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય પ્રવાસીઓ અને સરકારી કામકાજ અર્થે આવતા લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રનું માનવું છે કે, ખાનગીકરણથી સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે અને ભવનની જાળવણી લાંબા સમય સુધી જળવાઈ રહેશે.

(6:26 PM IST)