News of Monday, 30th March 2026
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકથી આકસ્મિક નિધન : રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું
કાર્યકરના ઘરે મુલાકાત દરમિયાન અચાનક ઢળી પડ્યા : હોસ્પિટલ પહોંચાડાય તે પહેલા જ પ્રાણ પંખેરુ ઊડી ગયું : ચક્ષુદાનના સંકલ્પને પગલે પાર્થિવ દેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો

મોરબી:મોરબી જિલ્લા રાજકારણના એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. આ દુખદ ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકરો સહિત મોરબીના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે આઘાતની લાગણી વ્યાપી ગઈ છે.
કાર્યકર સાથેની મુલાકાત બની અંતિમ:
ઘટનાની વિગતો મુજબ, કિશોરભાઈ ચીખલીયા હાઉસિંગ બોર્ડ વિસ્તારથી મહેન્દ્રનગર ખાતે વોર્ડ નંબર 4 માં એક સ્થાનિક આગેવાનને મળવા માટે ગયા હતા. તેઓ ત્યાં બેસીને કાર્યકર સાથે વાતો કરી રહ્યા હતા, તે દરમિયાન જ અચાનક તેમને મેજર હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે સમર્પણ હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચાડાય તે પહેલા જ તેમનું કરુણ નિધન થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
ચક્ષુદાનનો સંકલ્પ અને સિવિલમાં કાર્યકરોની ભીડ:
કિશોરભાઈ ચીખલીયાએ જીવતા હતા ત્યારે ચક્ષુદાનનો સંકલ્પ કરેલો હોવાથી, તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહને હાલ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમના નિધનથી મોરબી જિલ્લા કોંગ્રેસે એક સક્રિય અને લોકપ્રિય નેતા ગુમાવ્યા છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
