News of Monday, 30th March 2026
સિહોરમાં ડમ્પર ચાલકે બાઈક સવાર પિતા-પુત્રીને ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
ભાવનગરના સિહોર તાલુકાના કાજાવદર-જંબાળા રોડ પર અકસ્માત: પિતા અને માસૂમ પુત્રીના મોતથી નાના એવા કાજાવદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર-જંબાળા રોડ પર આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ ડમ્પર ચાલકે બાઈક સવાર પિતા-પુત્રીને જોરદાર ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. એકસાથે પિતા અને માસૂમ પુત્રીના મોતથી નાના એવા કાજાવદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કાજાવદર ગામના રહેવાસી સંજયભાઈ બોઘાભાઈ પરમાર તેમની 9 વર્ષની પુત્રી રસીતા સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કાજાવદર અને જાંબાળા વચ્ચેના માર્ગ પર એક કાળમુખા ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરી બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે સંજયભાઈ અને નાનકડી રસીતાનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિહોરની હોસ્પિટલ ખસેડ્યા છે અને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. એક જ પરિવારના બે સભ્યોના અકાળે અવસાનથી પરમાર પરિવાર અને સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
