News of Tuesday, 31st March 2026
સાયલાના ઢેઢુકીમાં ગાળ દેવાની ના પાડતાં અશોકની પાઇપ-પટ્ટાથી ધોલાઇ
બાઇક કાચા રસ્તેથી રોડ પર લેતાં જ કારવાળાએ ધ્યાન રાખવાનું કહી બીજા શખ્સો સાથે મળીને ડખ્ખો કરી માર માર્યો સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૩૧: સાયલાના ઢેઢુકી ગામે રહેતાં યુવાનને તે બાઇક લઇને વાડીએથી ઘર તરફ જતો હતો ત્યારે કાચા રસ્તેથી ડામર રોડ પર ચડતાં જ એક કાર આવી જતાં તેના ચાલકે ધ્યાન રાખવાનું કહી ગાળો દીધા બાદ માથાકુટ થતાં કારચાલક અને સાથેના શખ્સોએ પાઇપ, રબ્બરના પટ્ટાથી બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
ઢેઢુકી ગામે રહેતો અને ખેત મજૂરી કરવા સાથે ડ્રાઇવીંગ પણ કરતો અશોક કલાભાઇ કોશીયાણી (ઉ.વ.૨૪) રાતે નવેક વાગ્યે ગામમાં વાડીએથી ઘર તરફ બાઇક હંકારીને જતો હતો ત્યારે અજાણ્યા કારચાલક અને તેની સાથેના શખ્સોએ ઝઘડો કરી માર મારતાં સાયલા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે સાયલા પોલીસને જાણ કરી હતી.અશોકે જણાવ્યું હતું કે હું વાડીના કાચા રસ્તેથી ઘરે જતો હતો, ડામર રોડ પર બાઇક ચડાવતાં જ એક કાર અચાનક આવી ગઇ હતી. તેના ચાલકે કાર ઉભી રાખી મને જોઇને ચલાવવાનું કહી ભુંડી ગાળ દેતાં મેં તેને ગાળ દેવાની ના પાડતાં ઝઘડો થયો હતો. બાદમાં કારચાલક અને તેની સાથેના શખ્સોએ નીચે ઉતરી પાઇપ અને પ્લાસ્ટીકના પટ્ટાથી બેફામ માર માર્યો હતો. દેકારો થતાં આ બધા ભાગી ગયા હતાં.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
