<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં માવઠાની આગાહીઃ વાદળા છવાતા ચિંતા

મોડી રાત્રે- વહેલી સવારે પવનના સૂસવાટાઃ જો કે બપોરના સમયે આકરો તાપ

પ્રથમ તસ્‍વીરમાં ગોંડલ, બીજી તસ્‍વીરમાં આટકોટમાં છવાયેલ વાદળા નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી- (ગોંડલ), કરશન બામટા (આટકોટ)

રાજકોટ તા.૩૧: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં માવઠાની આગાહી વચ્‍ચે વાદળા છવાતા ચિંતા છવાઇ છે. મોડી રાત્રે અને વહેલી સવારે પવનના સૂસવાટા ફુંકાયા હતા. જો કે બપોરના સમયે આકરો તાપ અનુભવાય રહયો છે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ સહિત સોરઠમાં શનિવારથી શરૂ થયેલું વાદળછાયું વાતાવરણ  આજે પણ સતત ચોથા દિવસે યથાવત રહેતા બફારો વધ્‍યો હતો. આજે સવારે જૂનાગઢ સહિત સોરઠના વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેતા એકંદરે ઠંડક અનુભવાઇ હતી. જેની સાથે આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. ધીમી ગતિએ ઠંડો પવન પણ ફૂંકાયો હતો. માવઠાની શકયતા વચ્‍ચે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ ઉચ્‍ચક થઈ ગયા છે.

વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના કારણે તાપમાનમાં આગામી દિવસો દરમ્‍યાન પણ વધઘટ જોવા મળશે અને હજુ અઠવાડિયું મહત્તમ તાપમાન ૩૫ થી ૩૭ ડિગ્રી વચ્‍ચે રહેવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૩.૫, મહતમ ૩૪ ડિગ્રી, ભેજ ૬૬ ટકા અને પવનની ઝડપ ૯.૨ કિ.મી. રહી હતી.

આટકોટ

(કરશન બામટા દ્વારા) આટકોટઃ આખો દિવસ ગરમી અને બફારાથી લોકોને સાંજનાં સમયે આકાશમાં અનોખું દ્રશ્‍ય સર્જાયું હતું. વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો હતો. ઠંડા પવનો ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી હતી આકાશમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

(11:49 AM IST)