<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામશે : ભાજપ દ્વારા આવતીકાલથી ઉમેદવારી ફોર્મનું વિતરણ અને સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ફોર્મ ઉપલબ્ધ થશે : ૨ એપ્રિલથી નિરીક્ષકો દ્વારા તમામ ૧૬ વોર્ડના દાવેદારોની રજૂઆત સાંભળી સેન્સ લેવાની કામગીરી હાથ ધરાશે

(મુકુંદ બદીયાણી દ્વાર), જામનગર:આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જામનગર મહાનગરપાલિકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર મહાનગરના ૧ થી ૧૬ વોર્ડ માટે ચૂંટણી પ્રક્રિયાના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે. ભાજપ મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી મુજબ, ઉમેદવારી કરવા ઈચ્છતા કાર્યકરો અને દાવેદારો માટે આવતીકાલથી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ઉમેદવારી ફોર્મનું વિતરણ:
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ૧૬ વોર્ડ માટે કોર્પોરેટરની ઉમેદવારી કરવા માંગતા ઈચ્છુક ઉમેદવારો માટે ૧ એપ્રિલ ૨૦૨૬, બુધવારના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી શહેર ભાજપ કાર્યાલય ખાતેથી ફોર્મ ઉપલબ્ધ બનશે. દાવેદારોએ નિયત સમયમર્યાદામાં કાર્યાલય પરથી ફોર્મ મેળવી લેવાના રહેશે.

નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયાનું આયોજન:
ઉમેદવારી ફોર્મ વિતરણ બાદ તુરંત જ ૨ એપ્રિલ ૨૦૨૬ના રોજથી નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા સવારે ૯:૩૦ કલાકથી શરૂ થશે, જેના માટે અલગ-અલગ સ્થળો નિયત કરવામાં આવ્યા છે:
 * વોર્ડ નં. ૧ થી ૮ માટે: સેન્સ પ્રક્રિયા માટેનું સ્થળ 'ફ્રેન્ડ્સ હોલ' ખાતે રાખવામાં આવ્યું છે, જ્યાં નિરીક્ષકો કાર્યકરોની રજૂઆતો સાંભળશે.
 * વોર્ડ નં. ૯ થી ૧૬ માટે: આ વોર્ડના દાવેદારો માટેની સેન્સ પ્રક્રિયા શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવશે.

ભાજપના નિરીક્ષકો જામનગર આવીને દરેક વોર્ડના દાવેદારો, સ્થાનીક સમીકરણો અને કાર્યકરોનો મિજાજ પારખશે. આ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો પોતાનો અહેવાલ પ્રદેશ ભાજપને સોંપશે, જેના આધારે આખરી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો અને નેતાઓની અવરજવર વધી ગઈ છે.

(8:48 PM IST)