News of Wednesday, 1st April 2026
થાનના સિરામીક ઉદ્યોગમાં ર૮૦ ભઠ્ઠીઓ બંધ
દરરોજ અઢી લાખ કિલો ગેસ વપરાશ ઘટીને માત્ર ર૦ હજાર કિલો થઇ ગયોઃ ગેસના ભાવના લીધે સંકટથી રસ્તાઓ પણ સૂમસામ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧ : થાન સિરામીક ઉદ્યોગમાં થોડા દિવસો પહેલા વાહનો ધમધમતા હતા. ફેકટરીઓમાં શ્રમીકોના ટોળા એક સાથે કાચો અને પાકો માલ તૈયાર કરવા માટે લાગેલા જોવા મળતા હતા.પરંતુ ગેસના કમર તોડ ભાવ વધારાને કારણે ૨૮૦ કારખાનામાં ભઠ્ઠીઓ બંધ કરી દેવાઇ છે. આથી ફેકટરીઓના રસ્તા અને ફેકટરીઓ સુમસામ બની ગઇ છે.પહેલા જે દરરોજ ૨.૬૦ લાખ કિલો ગેસની વપરાશ થતી હતી તે ઘટીના માત્ર ૨૦ હજાર કિલોની થઇ ગઇ છે.
રૂ.૫૦ના કિલોના ભાવે ગેસ આપે તો જ ઉદ્યોગકારોને પોષાય તેમ છે. થાનના ૧૦થી ૧૫ કિમી દૂર પહોચો ત્યાં તમને સિરામીકના કારખાનાના લોકો અને વાહોનોની અવર જવર જોવા મળે.તેમાં પણ ફાટક બહાર, નવાગામ, અમરાપર, વિજળીયા, અભેપર, મોરથળા અને તરણેતર સહિતના ગામોના રસ્તે સૌથી વધુ ફેકટરીઓ આવેલી છે.
૩ મહિના વહેલા સોદા
રદ કરવા પડયા
થાન સિરામિક ઉદ્યોગ વર્ષે રૂ.૭૦૦ થી રૂ.૮૦૦ કરોડનો માલ વિદેશમાં એક્ષપોર્ટ કરે છે.તેમાં રોજના ૨૫ થી ૩૦ કન્ટેનર માલ થાનથી ભરાય છે.પરંતુ વર્તમાન સમયે યુધ્ધની સ્થિતિને કારણે માત્ર આફ્રિકામાં જ માલ જતો હતો.તે પણ ભાવને કારણે બંધ થઇ ગયો છે. એક્ષપોર્ટના માલના સોદા ૩ મહિના અગાઉ થઇ જતા હોય છે. સોદા પડી ગયા બાદ ભાવ વધારો થયો છે. હવે વિદેશમાંથી ભાવ વધારો મળતો નથી. ખોટ કરીને ધંધો કરવો તેના કરતા વેપારીઓને સોદા કેન્સલ કરવાની સ્થિતિ આવી છે. તેમ શાંતીલાલ પટેલ-ઉપ.પ્રમુખ પાંચાલ સિરામિક એસો.એ જણાવ્યું છે.
ખાનગી કંપની ઓછા
ભાવે ગેસ આપવા તૈયાર
થાનમાં જીએસપીસી દ્વારા ગેસ અપાય છે. ઘણો ભાવ વધારો સહન કરીને પણ ઉદ્યોગકારોએ ખાનગી કંપની પાસેથી ગેસની ખરીદી કરી નથી. ખાનગી કંપની દ્વારા રૂ.૯ થી રૂ.૧૦ના નીચા ભાવે ગેસ આપવાની ઓફર પણ કરે છે તેમ સંજયભાઇ પ્રજાપતિ (ઉધોગકાર) કહે છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
