તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st April 2026
ખંભાળિયામાં બાઈક અડી જવાના મામલે પોલીસ મથકે ઉગ્ર રજૂઆત : આપ નેતા ઈશુદાન ગઢવી સહિતના કાર્યકરોની અટકાયતની હિલચાલ?

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧ : સૌરાષ્ટ્રના ખંભાળિયામાં બાઈક અડી જવા બાબતે થયેલી બબાલ અને લૂંટના આક્ષેપ મામલે રજૂઆત કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને પોલીસ વચ્ચે ઉગ્રતા વ્યાપી જતા પોલીસે ફરજમાં રૂકાવટના ગુના હેઠળ અટકાયતી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ખંભાળિયા શહેરમાં ગઈકાલે બાઈક અડી જવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. આ બનાવમાં દીપક નામના એક શખ્સ પર અન્ય એક સ્થાનિક યુવાન સાથે મારપીટ કરી સોનાની ચેઈન ઝૂંટવી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાના પડઘા પોલીસ મથકે પડ્યા હતા. બનાવના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમના ૮ થી ૧૦ કાર્યકરો સાથે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા થતાં મામલો વધુ ગરમાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક પોલીસ મથકે દોડી ગયો હતો.
પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મામલો થાળે પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાક્રમમાં પોલીસે ઈશુદાન ગઢવી સહિત ૧૦ થી ૧૨ જેટલા વ્યક્તિઓને ડિટેઈન કરવાની તજવીજ હાથ ધરાય અને બહાર આવ્યું છે. તેમજ, સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવતા સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
