News of Thursday, 2nd April 2026
કારમાં ચોરખાનુ બનાવી હેરફેરઃ જેતપુરમાં ૪.૨૯ લાખનો દારૃ ભરેલી કાર સાથે સુરતના જયેશ અને હિતેષ પકડાયા
જેતપુરના સાગર વૈષ્ણવનું નામ ખુલતાં શોધખોળઃ પીઆઇ વી. વી. ઓડેદરા, પીએસઆઇ કે. એમ. ચાવડા અને ટીમની કાર્યવાહીઃ દારૃ-હેકસા કાર સહિત ૮.૮૬ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨: રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૃ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ તંત્ર એકશન મોડમાં આવ્યું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (રૃરલ એલસીબી)ની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૃની મોટી હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે સફળ રેઇડ કરીને સુરતના બે શખ્સોને ૪.૨૯ લાખના દારૃ સાથે પકડી લઇ કાર કબ્જે કરી છે. આ કારમાં ચોરખાના બનાવી હેરાફેરી કરવામાં આવી રહી હતી.
જાણવા મળ્યા મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબીના સ્ટાફના માણસો જેતપુર શહેર વિસ્તારમાં પ્રોહીબિશન અને જુગારના ગુન્હાઓ શોધી કાઢવા માટે સઘન પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ટીમને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, એક ટાટા હેકસા કાર જીજે૦૫આરડી-૧૯૮૭ લઇને બે શખ્સો નીકળ્યા છે. આ કારની અંદરખાસ ચોરખાનુ બનાવ્યું છે અને તેમાં વિદેશી દારૃનો જથ્થો છુપાવીને હેરાફેરી કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કારને અટકાવી તેની ઝીણવટભરી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૃ મળી આવ્યો હતો.
પોલીસ કારમાં બેઠેલા બે શખ્સો ૪૯ વર્ષીય જયેશભાઇ રવજીભાઇ ઠુમ્મર (રહે. બ્લોક નં-૩૪૨, પ્રમુખ છાયા સોસાયટી, યોગીચોક, સુરત) અને ૩૨ વર્ષીય હિતેષભાઈ ખોડાલાલ પટેલ (રહે. ફ્લેટ નં-૩૦૫, બી-બિલ્ડીંગ, સ્વામીનારાયણ ગ્રીન સીટી, સુરત)ની ધરપકડ કરી હતીે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હિતેષ પટેલ અગાઉ પણ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના બે ગુન્હામાં સંડોવાયેલો છે. આ દારૃ મંગાવનાર તરીકે જેતપુરના વેકરીયા નગરનો રહેવાસી સાગર વિનુભાઇ વૈષ્ણવનું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે. પોલીસે આ રેઇડ દરમિયાન કુલ રૃપિયા ૮,૮૬,૯૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ઇંગ્લીશ દારૃની ૭૫૦ એમ.એલ. તથા ૭૦૦ એમએલની કુલ ૧૧૫ નંગ સીલબંધ બોટલો કિંમત રૃ. ૪,૨૯,૫૨૦ની અને રૃ. ૪ લાખની કિંમતની ટાટા હેકસા કાર, રૃ. ૫૫ હજારની કિંમતના ૩ નંગ મોબાઈલ ફોન અને રૃ. ૨,૪૦૦ની રોકડ રકમ કબ્જે કર્યા છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સુચના અંતર્ગત આ કામગીરી રૃરલ એલસીબીના પી.આઈ. વી.વી. ઓડેદરા, પી.એસ.આઈ. કે.એમ. ચાવડા, એચ.સી. ગોહીલ, આર.વી. ભીમાણી, એન.એન. ભરવાડ તથા એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, અનિલભાઇ બડકોદીયા તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, મનીષભાઇ વરુ, મનદિપસિહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ રણજીતભાઇ બોરડ દ્વારા સંયુકત રીતે કરવામાં આવી હતી. તમામ મુદ્દામાલ જેતપુર સીટી પોલીસને સોંપી આગળની કાયદેસરની તપાસ શરૃ કરવામાં આવી છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
