<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

જૂનાગઢ જેલમાં કેદીએ તકિયા નીચે છૂપાવેલો મોબાઈલ મળ્‍યો

સાંજે ફરી ચેકીંગ કરતા પેન્‍ટમાંથી સીમકાર્ડ મળ્‍યું કેબલ સાથેનું એડેપ્‍ટર, ટુ પીન હોલ્‍ડર પણ હાથ લાગ્‍યું

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૩: જૂનાગઢ જિલ્લા જેલમાં ઓચિંતા ઝડતી હાથ ધરવામાં આવતા કાચા કામના કેદીએ બેરેકમાં તકિયા નીચે છુપાવેલો મોબાઈલ અને બિસ્‍તરની બાજુમાંથી કેબલ સાથેનું એડેપ્‍ટર, ટુ પીન હોલ્‍ડર મળી આવતા જેલ સ્‍ટાફ ચોકી ઉઠ્‍યો હતો.

જૂનાગઢ જેલના સિપાઈ ભરત યુ. વાળાને જેલનો કાચા કામનો આરોપી અયાન ઉર્ફે પાંચીયો અમીન મૂળિયા જેલમાં અન-અધિકળત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ બાતમી આધારે મધરાત્રે જેલની ઝડતી સ્‍ક્‍વોડ દ્વારા અયાન ઉર્ફે પાંચીયો સાથેના કેદી ઈમ્‍તિયાઝ ઉર્ફે બકરો ઈબ્રાહીમ હિંગોરજા તથા નદીમ ઉર્ફે નીક્કી મુન્નાભાઈ ચંદાણીની સલામતી વિભાગની બેરેક નંબર ૧૧માં તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ બેરેકમાં રહેલા કાચા કામના આરોપી અયાન ઉર્ફે પાંચીયો અમીનભાઈ મુળીયાના બિસ્‍તરની તલાશી લેતા તેના તકિયા નીચેથી કી-પેડ વાળો ફોન મળી આવ્‍યો હતો. આ ફોનમાં સિમકાર્ડ પણ કાર્યરત હતું. જેની સાથે બિસ્‍તરની બાજુમાં પડેલી બ્‍લુ કલરની પ્‍લાસ્‍ટિકની ડબ્‍બી ચેક કરતા તેમાંથી લાલ કલરના કેબલ સાથેનું સફેદ કલરનું એડેપ્‍ટર અને દરેકની બંધ ટયુબલાઈટની પટ્ટીમાં ભરાવેલ ટુ પીન હોલ્‍ડર પણ મળી આવ્‍યું હતું.

આ તમામ પ્રતિબંધિત વસ્‍તુઓ કબજે લઈ સિપાઈ ભરત વાળાએ ફરિયાદ કરતા કાચા કામના આરોપી અયાન ઉર્ફે પાંચીયો અમિન મૂળિયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી પીએસઆઇ પી. બી. સોલંકીએ તપાસ હાથ ધરી હતી.

ગઈકાલે સાંજે ફરી ચેકીંગ કરવામાં આવતા બેરેકમાં કપડા ટીંગાડવાના લાકડાના સ્‍ટેન્‍ડ પર ટીંગાડેલ કાચા કામના આરોપી આયાન ઉર્ફે પાંચીયો અમીનભાઇ મુળીયાના બ્‍લ્‍યુ કલરના પેન્‍ટના પાછળના ડાબી બાજુના ખીસ્‍સામાંથી સીમકાર્ડ મળી આવતા કબજે લઈ શખસ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

(1:33 PM IST)