<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ગોંડલમાં વ્‍યાજખોરના ત્રાસથી સોની વેપારી નિલેશભાઇ જરીયાએ ફિનાઇલ ગટગટાવ્‍યું

વ્‍યાજખોર નીતીન, હિરેન અને કિશોરે પઠાણી ઉઘરાણી કરતા આપઘાતનો પ્રયાસ કર્યોઃ નિલેશભાઇ રાજકોટ સીવીલમાં સારવાર હેઠળ

 

રાજકોટ તા. ૪: ગોંડલની મોટી બજારમાં સોનીની દુકાન ધરાવતા વેપારી નિલેશ જરીયાએ ત્રણ વ્‍યાજખોરોના ત્રાસથી કંટાળી પોતાના ઘરે ફિનાઈલ પી જિંદગી ટૂંકવાનો પ્રયાસ કર્યો છે. જોકે હાલ હાલ વેપારી રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર હેઠળ હોય ત્‍યારે બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, ગોંડલની રાધા પાર્ક સોસાયટીમાં રહેતા અને મોટી બજારમાં ‘જરીયા એન્‍ડ સન્‍સ' નામે સોના-ચાંદીનો વ્‍યવસાય કરતા નિલેશભાઈ શાંતિભાઈ જરીયા (ઉં.વ. ૫૨) એ ગુરુવારે સવારે આશરે ૯:૪૫ વાગ્‍યે પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તેમને તાત્‍કાલિક ગોંડલ સરકારી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલ રિફર કરવામાં આવ્‍યા હતા.

રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલા નિલેશભાઈના જણાવ્‍યા અનુસાર અંદાજે ૬ મહિના પહેલા ધંધામાં નાણાંની જરૂરિયાત ઊભી થતા તેમણે નીતિન, હિરેન અને કિશોર નામના ત્રણ શખ્‍સો પાસેથી રૂપિયા ૯ લાખ ૫ ટકાના વ્‍યાજે લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી આર્થિક સ્‍થિતિ નબળી પડતા તેઓ સમયસર વ્‍યાજ ચૂકવી શકયા ન હતા. વ્‍યાજ ન ચૂકવાતા ત્રણેય શખ્‍સોએ ઉઘરાણી માટે દબાણ કરી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આ ત્રાસથી કંટાળીને આખરે તેમણે જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું નિવેદનમાં જણાવ્‍યું છે. બનાવ અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના સ્‍ટાફે હોસ્‍પિટલ પહોંચી વેપારીનું  નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:18 AM IST)