News of Friday, 3rd April 2026
બગોદરા-લીંબડી હાઇવે ઉપર ટ્રકમાંથી ૪૭.૬૩ લાખનો દારૂ ઝડપાયો
પ્લાયવુડની સીટ નીચે છુપાવ્યો'તો : રાજસ્થાનના શખ્સની ધરપકડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૩: લીંબડી નજીક બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર પાણશીણા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ટ્રકમાંથી રૂ. ૪૭.૬૩ લાખથી વધુનો ઇંગ્લીશ દારૂ અને ચપ્પલનો જથ્થો ઝડપી પાડ્યો છે.
દેવપરા ગામના બોર્ડ નજીક રાજ ખોડલ કળપા હોટલ પાસેથી અશોક લેલેન્ડ કંપનીનો બંધ બોડી ટ્રક (નં. HR-63-C-૪૫૫૬) રોકીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં પ્લાયવુડની સીટ નીચે છુપાવેલો કુલ ૨૬૫૨ બોટલ ઇંગ્લીશ દારૂ (આશરે રૂ. ૩૧,૮૨,૪૦૦) અને ૨૩૦૪ ચપ્પલ (આશરે રૂ. ૫,૭૬,૦૦૦) મળી આવ્યા હતા.
આ ઉપરાંત, રૂ. ૩,૧૦,૦૦૦ની કિંમતનો ટ્રક અને એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂ. ૪૭,૬૩,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં રાજસ્થાનના બ્યાવર જિલ્લાના ૨૭ વર્ષીય બાબૂસિંહ વસ્તુસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. માલ ભરી આપનાર અને મંગાવનાર સહિતના અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
પાણશીણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. કે.ડી. જાદવના માર્ગદર્શન હેઠળ એચસી ઇન્દ્રજીતસિંહ રાઠોડ, ભવાનભાઈ બળોલીયા, નિકુલભાઈ ઝાપડીયા તેમજ પીસી દેવજીભાઈ ખાવડીયા સહિતની ટીમે આ સફળ કામગીરી કરી હતી. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
