<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ધ્રોલ પંથકમાં તસ્કરો બેફામ: ખારવા-જાયવા રોડ પર વીજ લાઈનમાંથી ૧૨૦૦ મીટર વાયરની ચોરી

ખારવા ગામ પાસે ૧૧ કે.વી. હડમતીયા એ.જી. ફીડરની કામગીરી ચાલી રહી હતી આ ફીડરમાંથી અલગ કરી નવા ફીડર માટે તૈયાર કરાયેલી લાઈનમાં તસ્કરોએ હાથફેરો કર્યો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૩ :  ધ્રોલ તાલુકામાં સરકારી મિલકતોને નિશાન બનાવી ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હોય તેમ જણાય છે. ધ્રોલ પોલીસ મથક હેઠળ આવતા ખારવા થી જાયવા ગામ તરફ જવાના નવા રસ્તા પર વીજ કંપની દ્વારા ઉભી કરવામાં આવેલી નવી ૧૧ કે.વી.ની લાઈનમાંથી અજાણ્યા તસ્કરો આશરે ૧૨૦૦ મીટર જેટલા કિંમતી એલ્યુમિનિયમ વાયરો કાપીને ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રોલ પોલીસ સ્ટેશનથી દક્ષિણ દિશામાં ૩ કિલોમીટર દૂર ખારવા ગામ પાસે ૧૧ કે.વી. હડમતીયા એ.જી. ફીડરની કામગીરી ચાલી રહી હતી. આ ફીડરમાંથી અલગ કરી નવા ફીડર માટે તૈયાર કરાયેલી લાઈનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ગત તા. ૨૬/૦૩/૨૦૨૬ થી ૩/૦૪/૨૦૨૬ ના ૧૩:૪૫ કલાક સુધીના સમયગાળા દરમિયાન, કોઈ પણ સમયે તસ્કરોએ પોલ નં. ૨૦૨ થી ખારવા થી મોટા ઈટાળા ગામ તરફ જતી લિંક લાઈનને નિશાન બનાવી હતી. અજાણ્યા શખ્સોએ ૧૦ ગાળાના ૫૫ સ્ક્વેર એમ.એમ. સાઈઝના આશરે ૧૨૦૦ મીટર લંબાઈના એલ્યુમિનિયમ વાયરો કાપી લીધા હતા. આ ચોરી થયેલા એલ્યુમિનિયમ વાયરની અંદાજિત કિંમત રૂ. ૫૪,૩૭૫/- આંકવામાં આવી છે.

 

તસ્કરોએ માત્ર કિંમતી માલની ચોરી જ નથી કરી પરંતુ ચાલુ લાઈન માટેની વ્યવસ્થાને નુકસાન પહોંચાડી સરકારી કામગીરીમાં પણ અવરોધ ઉભો કર્યો છે. આ મામલે રાજકોટના રૈયા રોડ પર રહેતા અને નોકરી કરતા તેજશભાઇ અનીલભાઇ સોની (ઉ.વ. ૩૯) એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ઈન્ડિયન ઈલેક્ટ્રીસીટી એક્ટની કલમ ૧૩૬(૧)(એ) તેમજ સાર્વજનિક મિલ્કતોને નુકશાન અટકાવવાનો અધિનિયમની કલમ ૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પો.હેડ કોન્સ. ડી.પી. વઘોરા ચલાવી રહ્યા છે. પોલીસ હવે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ હિલચાલના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ કરી રહી છે.

(4:11 PM IST)