News of Friday, 3rd April 2026
સિહોર તાલુકા પંચાયતની ઐતિહાસિક સિદ્ધિ : ૩.૨૨ કરોડથી વધુની કરવેરા વસૂલાત સાથે ભાવનગર જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું : જુઓ વિડિયો
નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષર પી વ્યાસે આપેલ પડકાર ઝીલી તલાટીઓએ માર્ચના અંતિમ ૧૦ દિવસમાં ૧૦% નો વધારો નોંધાવ્યો : તાલુકા વિકાસ અધિકારી મૌસમસિંહ બી રાવની અધ્યક્ષતામાં તલાટી કમ મંત્રીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો

સિહોર: નાણાકીય વર્ષ ૨૦૨૫/૨૬ માં ભાવનગર જિલ્લા પંચાયતના કરવેરા વસૂલાતના લક્ષ્યાંક સામે સિહોર તાલુકા પંચાયતે ૫૦.૯૬% સાથે જિલ્લામાં સૌથી વધુ ૩.૨૨ કરોડથી વધુની રકમ વસૂલી અગ્રેસરતા મેળવી છે. આ ભવ્ય સફળતા અને તલાટી કમ મંત્રીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવવા માટે ૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી મૌસમસિંહ બી રાવની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ શાખાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કપરી ચેલેન્જ અને દિવસ-રાતની મહેનત:
આ સફળતા પાછળ તલાટીઓની દિવસ-રાતની મહેનત જવાબદાર છે. નોંધનીય છે કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષર પી વ્યાસ દ્વારા માર્ચ ૨૦૨૬ ના છેલ્લા દસ દિવસમાં વસૂલાતમાં ૧૦% નો વધારો કરી આપવા માટે જણાવવામાં આવ્યું હતું. સિહોર તલાટી કમ મંત્રી મંડળે આ કપરી ચેલેન્જ સ્વીકારીને ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરી હતી અને લક્ષ્યાંક પૂર્ણ કરીને પ્રામાણિકતા તેમજ ફરજપરસ્તીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભાવનગર જિલ્લામાં તલાટીઓનું આ પ્રકારે સન્માન કરનાર સિહોર પ્રથમ તાલુકો બન્યો છે.
સન્માન પત્ર અને શીલ્ડ એનાયત:
સમારોહ દરમિયાન તાલુકા વિકાસ અધિકારી રાવ દ્વારા પ્રત્યેક તલાટી કમ મંત્રીને તેમની કાર્યસિદ્ધિ બદલ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સામૂહિક સંગઠિત શક્તિ અને સફળતા બદલ સિહોર તાલુકા મંત્રીમંડળને પ્રશસ્તિપત્ર અને શીલ્ડ આપી નવાજવામાં આવ્યા હતા. આ પ્રકારનું ભવ્ય આયોજન સિહોર તાલુકામાં પ્રથમ વખત થયું હતું, જેનું સફળ સંચાલન બંસીધરભાઈ રાવલે કર્યું હતું.
કર્મચારીઓ માટે પ્રેરણારૂપ કામગીરી:
વર્તમાન સમયમાં જ્યારે સરકારી કર્મચારીઓની છાપ અંગે વિવિધ ચર્ચાઓ થતી હોય છે, ત્યારે સિહોર તાલુકા પંચાયતના તલાટીઓની પરસ્પર સહકાર અને તંદુરસ્ત સ્પર્ધા સાથે કામ કરવાની પદ્ધતિ અન્ય માટે પ્રેરણારૂપ બની છે. કાર્યક્રમના અંતે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે ભોજન લઈ સફળતાની ઉજવણી કરી હતી. આ સફળતાએ સાબિત કર્યું છે કે મજબૂત નેતૃત્વ અને કર્મચારીઓના ટીમ વર્ક દ્વારા કોઈપણ અઘરો લક્ષ્યાંક હાંસલ કરી શકાય છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
