News of Friday, 3rd April 2026
ભાવનગરમાં ભર ઉનાળે માહોલ પલટાયો: સાંજના સમયે મેઘરાજાની એન્ટ્રી થતા માર્ગો પર પાણી ફરી વળ્યા
વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ: ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાતા નગરજનોમાં પણ આશ્ચર્ય

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર શહેરમાં આજે ભર ઉનાળે વાતાવરણમાં ઓચિંતા પલટો આવતા કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જે દરમિયાન સાંજે ૪:૩૦ કલાકે અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આશરે ૨૦ મિનિટ સુધી વરસેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાતા નગરજનોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું.
આજના હવામાનની વિગતો મુજબ, ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા જેટલું ઊંચું રહ્યું હતું અને ૧૬ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સરકારી આંકડા મુજબ શહેરમાં કુલ ૨.૫ મીમી વરસાદ નોંધાયો છે. ઓચિંતા આવેલા આ વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
