News of Friday, 3rd April 2026
સુરેન્દ્રનગર જિલ્લાના ઈતિહાસમાં ખાણ ખનીજ વિભાગનો સૌથી મોટો સપાટો : સાયલા તાલુકામાં ખનીજ માફિયાઓને ૫૯૫ કરોડનો ઐતિહાસિક દંડ
સુદામડા પંથકમાં બ્લેક ટ્રેપ પથ્થરની ખાણોમાં ચાલતા ગેરકાયદેસર ખોદકામ પર તંત્રની લાલ આંખ : ૩૩ ડમ્પર અને ૧૩ મશીનો જપ્ત કરી પાંચ ખાણ સંચાલકોને ૧૫મી એપ્રિલ સુધીમાં પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારાઈ

ફઝલ ચૌહાણ દ્વારા, વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક દંડની કાર્યવાહી કરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સાયલાના સુદામડા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખોદકામ મામલે ખનીજ વિભાગે આકરા તેવર અપનાવી પાંચ જેટલી ખાણો પર કુલ ૫૯૫ કરોડ રૂપિયાનો અધધ દંડ ફટકાર્યો છે. આટલી મોટી રકમનો દંડ થતા સમગ્ર જિલ્લાના રાજકારણ અને વહીવટી આલમમાં ભારે હલચલ મચી ગઈ છે.
સુદામડામાં બેરોકટોક ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ:
પ્રાપ્ત વિગતો અનુસાર, સાયલાના સુદામડા વિસ્તારમાં આવેલી બ્લેક ટ્રેપ પથ્થરની ખાણોમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર બેરોકટોક ખોદકામ ચાલી રહ્યું હતું. આ અંગે ખનીજ વિભાગને બાતમી મળતા પાંચ જેટલી ખાણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાનું સપાટી પર આવતા વિભાગે આ તમામ ખાણો પર થયેલા ખોદકામનું આકલન કરીને અંદાજે ૫૯૫ કરોડ જેટલી માતબર રકમનો દંડ આક્યો છે. ગેરકાયદે ખોદકામ કરનારા તત્વો સામે કારણદર્શક નોટિસ ફટકારીને આગામી ૧૫ એપ્રિલ સુધીમાં જરૂરી આધાર પુરાવા રજૂ કરવા આદેશ કરાયો છે.
લિમ્બડી ડીવાયએસપીની ટીમે મશીનરી જપ્ત કરી:
આ કાર્યવાહી દરમિયાન માત્ર દંડ જ નહીં પરંતુ મોટા પાયે મશીનરી પણ સીઝ કરવામાં આવી છે. લિમ્બડી ડીવાયએસપી અને ખાણ ખનીજ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ખોદકામમાં વપરાતા ૧૩ જેટલા હિટાચી જેવા મોટા મશીનો અને ખનીજ વહન કરતા ૩૩ જેટલા ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ અને ખનીજ વિભાગની આ સંયુક્ત કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ થયેલી અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી માનવામાં આવી રહી છે.
ખનીજ માફિયાઓ પર કડક સકંજો:
છેલ્લા ઘણા સમયથી સાયલા અને આસપાસના વિસ્તારોમાં ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી રહી હતી. સુદામડામાં થયેલી આ ૫૯૫ કરોડની દંડકીય કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોની કમર તૂટી ગઈ છે. ખનીજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નિયત સમય મર્યાદામાં જો સંતોષકારક પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઓપરેશનને પગલે અન્ય ખનીજ ચોરો પણ પોતાની સાધન-સામગ્રી સગેવગે કરવા લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
