<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

કચ્છમાં પશુ તસ્કરો બેફામ: ક્રૂરતાપૂર્વક ૪૧ મૂંગા પશુઓને લઈ જતા અટકાવનારા જીવદયા પ્રેમીઓ ઉપર હુમલો

સરકાર કાયદા તો ઘડે છે પણ કાયદાના કડકાઈપૂર્વક અમલ સાથેની ધાક જરૂરી : જાગૃત પશુ રક્ષકોએ કચ્છમાં પશુ તસ્કરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ :  ગુજરાત સરકાર દ્વારા ગૌહત્યા સહિત અન્ય પશુઓ સાથે કરાતી ક્રૂરતા માટેના કાયદાઓ ઘડાયા છે પણ આ કાયદાઓની ધાક વર્તાય એ માટે તેનો કડકાઈપૂર્વક અમલ કરવામાં આવે તો જ આ કાયદાનો અમલ થાય. જાગૃત પશુ રક્ષકોએ કચ્છમાં પશુ તસ્કરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે જોકે, બેફામ બનેલા પશુ તસ્કરોએ કાયદાનો ડર ન હોય તેમ જીવદયા પ્રેમીઓ ઉપર હુમલો કર્યો હતો. અંજારના નવાગામ વે બ્રિજ પર નોકરી કરતા સચિન રાજગોરે પશુઓ ભરેલી ભચાઉ જતી શંકાસ્પદ ટ્રક જોઈ અનિરુદ્ધસિંહ જાડેજા સહિત પોતાના અન્ય જીવદયા પ્રેમી મિત્રોને જાણ કરતા સૌએ એ ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટ્રક ડ્રાઈવરે યુ ટર્ન મારી ટ્રક પાછી ભગાવી અન્ય સાગરીતોને જાણ કરી હતી. આ ટ્રકની મદદે બે કારમાં અમુક શખ્સો આવ્યા બાદ ચાંદરાણી ગામે ટ્રક રોકી આ શખ્સોએ ગાળાગાળી સાથે જીવદયા પ્રેમીઓ ઉપર ધોકા સાથે ઢીકાપાટુનો માર મારી તીક્ષ્ણ હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બબાલમાં સ્થાનિક લોકો દોડી આવતા આરોપીઓ નાસી છૂટ્યા હતા. જીવદયા પ્રેમીઓની જાગૃતિથી ક્રૂરતાપૂર્વક બંધાયેલા ૩૮ પાડા, ૩ પાડી સાથે ૪૧ મૂંગા પશુઓને બચાવી લેવાયા હતા. પોલીસે એક ટ્રક, બે લક્ઝરી કાર જપ્ત કરી આરોપીઓ કનૈયાબે ગામના અબ્દુલ શેખ, બચ્ચનશા શેખ, ટ્રક ચાલક બે કાર ચાલક સહિત અન્ય ૪ સામે ગુનો નોંધ્યો છે.

(9:49 AM IST)