News of Saturday, 4th April 2026
ધ્રોલ લોહાણા મહાજન આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની ભવ્ય પૂર્ણાહુતિઃ પૂનમબેન માડમ દ્વારા રૃા.૫ લાખની ગ્રાન્ટની જાહેરાત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૪ઃ ધ્રોલ લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે એક અત્યંત સુંદર અને ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૬-૩-૨૦૨૬ થી તા.૧-૪-૨૦૨૬ સુધી ચાલેલા આ ધાર્મિક મહોત્સવમાં જ્ઞાતિજનો ઉમળકાભેર જોડાયા હતા. કથા દરમિયાન નૃસિંહ અવતાર, વામન અવતાર, રામ જન્મ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા તેમજ રૃક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગોની અત્યંત ધામધૂમથી અને શાસ્ત્રોકત વિધિ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ આધ્યાત્મિક અવસરે કથાના ચોથા દિવસે જામનગરના માનનીય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે વિશેષ ઉપસ્થિતિ આપી વ્યાસપીઠના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ મહાજનના હોદ્દેદારો સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને સમાજની સુવિધા માટે પોતાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામ અર્થે રૃા. ૫,૦૦,૦૦૦/ ફાળવવાની મહત્વની જાહેરાત કરી હતી, સાથે જ આ કામ સત્વરે પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.
આ આયોજનથી લોહાણા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધુ પ્રબળ બની છે. સપ્તાહ દરમિયાન દરરોજ જ્ઞાતિજનો અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે લોહાણા મહાજનના પ્રમુખ શ્રી જતિનભાઈ એચ. અનડકટ, ઉપ-પ્રમુખ શ્રી સંજયભાઈ બી. ગણાત્રા, મંત્રી શ્રી ભરતભાઈ વી. કોટેચા તથા ખજાનચી શ્રી વિપુલભાઈ જે.કોટેચા સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમે સમગ્ર જ્ઞાતિ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
