હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બગદાણાના ચકચારી કેસના પીડિત નવનીત બાલધિયા કોંગ્રેસમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૪: બગદાણાના ચકચારી મારામારી કેસ બાદ ચર્ચામાં આવેલા બગદાણાના પૂર્વ સરપંચ કોળી યુવાન નવનીત બાલધિયા આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
માત્ર પક્ષમાં પ્રવેશ જ નહીં, પરંતુ નવનીત બાલધિયાએ આગામી સમયમાં ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી છે. તેમણે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલમાં તેમની વ્યક્તિગત કોઇ મહત્વકાંક્ષા નથી, પરંતુ જો તેમનો કોળી સમાજ અને પક્ષ આદેશ આપશે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે.
નવનીત બાલધિયાના જોડાવાથી સૌરાષ્ટ્રના પટ્ટામાં, ખાસ કરીને કોળી સમાજના મતદારોમાં કોંગ્રેસની પકડ મજબૂત બનશે તેમ મનાય છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભાજપના અહંકાર સામે લડનારા દરેક વ્યક્તિનું કોંગ્રેસમાં સ્વાગત છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ બગદાણા ધામના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા સરકારે તપાસ માટે ‘‘સીટ'' ની રચના કરી હતી, જે બાદ જયરાજ આહિરની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં કોળી સમાજના નેતા અને મંત્રી પરષોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી સહિતના કોળી સમાજના ,આગેવાનો ધારાસભ્યો, સાંસદ સભ્યો વિગેરે એ નવનીત બાલદીયાના પ્રકરણ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
બગદાણાના કોળી યુવાન નવનીત બાલધીયા ભાજપમાં જોડાશે તેવી અટકળો હતી પરંતુ તેઓ આજે કોંગ્રેસના જોડાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
