<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ટિકિટ માટે પડાપડીના યુગમાં માળિયા ભાજપમાં સન્નાટો : નગરપાલિકાની ૨૪ બેઠકો માટે એક પણ દાવેદારી ન નોંધાતા પ્રદેશ નિરીક્ષકો પણ ચોંકી ઉઠ્‍યા!

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી પૂર્વે મોરબી ભાજપમાં વિલક્ષણ સ્‍થિતિ : નિર્ધારિત સમય સુધી નિરીક્ષકો કમલમ ખાતે રાહ જોતા રહ્યા પણ માળિયાના કોઈ કાર્યકરે ટિકિટ ન માંગી : જિલ્લા પ્રમુખે સંકલન દ્વારા નિરાકરણ લાવવા કવાયત શરૂ કરી

મોરબીઃસામાન્‍ય રીતે ચૂંટણી ટાણે ભાજપ જેવી શિસ્‍તબદ્ધ અને સત્તાધારી પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો ભારે ધસારો અને ખેંચતાણ જોવા મળતી હોય છે, પરંતુ મોરબી જિલ્લાના માળિયા મીયાણામાં સ્‍થિતિ તેનાથી સાવ વિપરીત જોવા મળી છે. આગામી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી માટે યોજાયેલી સેન્‍સ પ્રક્રિયામાં માળિયા નગરપાલિકાની ૨૪ બેઠકો માટે ભાજપના એક પણ કાર્યકર કે નેતાએ ઉમેદવારી નોંધાવી નથી. રાજકીય ઈતિહાસમાં ભાગ્‍યે જ બનતી આવી ઘટનાને પગલે પ્રદેશ મોવડી મંડળમાં પણ આશ્‍ચર્યની સાથે ચર્ચા જાગી છે.

નિરીક્ષકો સામે દાવેદારોની ગેરહાજરીઃ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ' ખાતે ૨જી એપ્રિલના રોજ માળિયા નગરપાલિકાના ૬ વોર્ડની બેઠકો માટે સેન્‍સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રદેશમાંથી નિરીક્ષક તરીકે પધારેલા રમણભાઈ વોરા, દેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂપરેલીયા બપોરે ૨:૩૦ થી ૪:૩૦ સુધી દાવેદારોની રજૂઆત સાંભળવા માટે ઉપસ્‍થિત રહ્યા હતા. જોકે, બે કલાકના નિર્ધારિત સમયગાળા દરમિયાન માળિયા શહેરી વિસ્‍તારમાંથી એક પણ આગેવાન ટિકિટની માંગણી કરવા માટે ફરકયો નહોતો, જેને પગલે નિરીક્ષકો પણ અચરજમાં મુકાયા હતા.

તાલુકા-જિલ્લા પંચાયતથી વિપરીત ચિત્રઃ આશ્‍ચર્યજનક બાબત એ છે કે માળિયા (મી) તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો અને ત્‍યાં પૂરતા પ્રમાણમાં દાવેદારી પણ નોંધાઈ છે. જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ આ સ્‍થિતિ અંગે જણાવ્‍યું હતું કે, નગરપાલિકાની બેઠકો માટે હજુ સંકલનની કાર્યવાહી ચાલી રહી છે. સ્‍થાનિક સ્‍તરે કોઈ આંતરિક મડાગાંઠ છે કે કેમ તે અંગે પણ તર્ક-વિતર્ક વહેતા થયા છે.

પક્ષ દ્વારા મનામણાં અને સંકલન શરૂઃ નગરપાલિકાના ૨૪ ઉમેદવારો માટે કોઈ નામ સામે ન આવતા હવે ભાજપના જિલ્લા અને ?દેશ કક્ષાના નેતાઓએ માળિયાના સ્‍થાનિક આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. પક્ષના શિસ્‍તબદ્ધ માળખામાં સર્જાયેલા આ ‘શૂન્‍યાવકાશ' ને ભરવા માટે અને સક્ષમ ચહેરાઓને મેદાને ઉતારવા માટે હવે ઉપરથી સૂચનાઓ આપીને મનામણાં અને સંકલન સાધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ મડાગાંઠ ઉકેલાય છે કે કેમ.

(1:13 PM IST)