News of Saturday, 4th April 2026
ગોંડલના બંધીયા ગામે સહાય બાબતે તલાટી મંત્રીએ મહિલાને ધકો મારતા ઇજા
સામા પક્ષે તલાટી મંત્રીએ મહિલાના પતિ સામે ફરજમાં રૂકાવટની ફરીયાદ કરી

રાજકોટ, તા., ૪ : ગોંડલ તાલુકાના બંધિયા ગામે સરકારી યોજના હેઠળના શૌચાલયની સહાય કેમ નથી મળી? તેવું પૂછવા ગયેલા દંપતિ અને તલાટી મંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચકયો હતો. આ દરમિયાન તલાટી મંત્રીએ ગૌરીબેન રાઠોડ નામના મહિલાને ધક્કો મારી પછાડી દેતા તેમને માથાના ભાગે મૂંઢ ઈજાઓ થતી તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ, બંધિયા ગામે રહેતા ગૌરીબેન કિશોરભાઈ રાઠોડ (ઉ.વ. ૪૦) એ બે વર્ષ પૂર્વે સરકારી યોજના અંતર્ગત પોતાના ઘરે શૌચાલય બનાવવા માટે પંચાયત ઓફિસમાં અરજી કરી હતી. લાંબા સમય બાદ પણ સહાયની રકમ ન આવતા ગૌરીબેનના પતિ કિશોરભાઈ પંચાયત ઓફિસે તલાટી મંત્રીને રજૂઆત કરવા ગયા હતા. ત્યાં તલાટી સાથે બોલાચાલી થતા ગૌરીબેન પણ સ્થળ પર પહોંચ્યા હતા.
ગૌરીબેનનો આક્ષેપ છે કે, જ્યારે તેઓએ તલાટી મંત્રીને સહાય અંગે પૂછયું ત્યારે તલાટીએ તેમને હડધૂત કરી જોરદાર ધક્કો માર્યો હતો. ધક્કાના કારણે ગૌરીબેન જમીન પર પટકાતા તેમને માથા અને શરીરે ગંભીર મૂંઢ ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે હોસ્પિટલ પહોંચી તેમનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી હતી. બીજી બાજુ તલાટી મંત્રીએ ગોંડલ તાલુકા પોલીસ મથકે કિશોરભાઈ રાઠોડ વિરુદ્ધ સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેવા આક્ષેપો સાથે ફરીયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ બંને પક્ષોના નિવેદનો અને પુરાવાઓને આધારે સત્ય શું છે ? તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે. (
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
