News of Saturday, 4th April 2026
ગઢડામાં પશુઓને મારવા મુદ્દે જુથ અથડામણ : ૩ ને ઇજા
રફીકભાઇ સૈયદને ગંભીર હાલતમાં બોટાદ સારવારમાં ખસેડાયા : ર વ્યકિતને સામાન્ય ઇજા થતા ગઢડા સારવારમાં : એસપી ધર્મેન્દ્ર શર્મા સહિતના દોડી ગયા : હાલમાં સ્થિતિ પુર્વવતઃ

બોટાદ, તા., ૪: બોટાદ જીલ્લાના ગઢડાના વિંછીયાપરા વિસ્તારમાં પશુઓને માર મારવાના મુદ્દે જુથ અથડામણ થતા દોડધામ મચી ગઇ છે. આ બનાવમાં રફીકભાઇ હાજીભાઇ સૈયદને ગંભીર ઇજા થતા સારવાર માટે બોટાદ ખસેડવામાં આવેલ છે. સામાન્ય ઇજા થતા બે વ્યકિતને ગઢડા ખસેડવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડામાં છેલ્લા ૨૪ કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વિંચીયા પરા વિસ્તારમાં શુક્રવારે રાત્રે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણને પગલે સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. પશુને માર મારવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા લોખંડના પાઈપ અને લાકડીઓ વડે સામસામે હુમલા થયા હતા.ે
મળતી માહિતી મુજબ પશુને માર મારવા જેવી બાબતે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, આ વિવાદ શાંત પડવાને બદલે રાત્રે ફરી વકર્યો હતો. રાત્રિના સમયે થયેલી આ બબાલમાં રફિક હાજીભાઈ સૈયદ નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે બોટાદની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય બે લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે.
ઘટનાની ગંભીરતાને જોતા બોટાદ એસપી, ડીવાયએસપી સહિત એલસીબી અને એસઓજીની ટીમો તાત્કાલિક ગઢડા દોડી ગઈ હતી. પોલીસે આ મામલે બંને પક્ષોની રજૂઆત સાંભળી બે મહિલા અને એક સગીર સહિત કુલ ૧૧ લોકો સામે ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસે ૯ શખસોની અટકાયત કરી લીધી છે. અત્યારે ગઢડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
