<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

જેતપુરમાં ભક્તિ અને વૈભવનો અનોખો સંગમ: સુરાપુરા આણંદ બાપાના મહોત્સવમાં રાત્રિના અંધકારમાં 'સોનાની નોટો' થી ઝળહળી ઉઠ્યો લોક ડાયરો

ભેડાપીપળીયા ગામે જોટંગીયા પરિવાર દ્વારા દાદાનો ૪૯મો તિથિ મહોત્સવ ઉજવાયો, પ્રખ્યાત કલાકારોની સૂરવાણી વચ્ચે લાખોની 'ઘોળ' બોલાઈ

જેતપુર : સૌરાષ્ટ્રની ધરતી એટલે શૂરવીરો અને સંતોની ધરતી. અહીં ભક્તિ અને પરંપરાનો અનોખો ઠાઠ જોવા મળતો હોય છે. આવો જ એક નજારો જેતપુર તાલુકાના ભેડાપીપળીયા ગામે જોવા મળ્યો, જ્યાં જોટંગીયા પરિવારના કુળના રક્ષક સુરાપુરા આણંદ બાપાના ૪૯માં તિથિ મહોત્સવની ભવ્યતા અને દિવ્યતાએ સૌ કોઈના દિલ જીતી લીધા છે. રાત્રિના સમયે યોજાયેલા લોક ડાયરામાં જ્યારે સુરની સરવાણી ફૂટી ત્યારે શ્રદ્ધાળુઓએ કલાકારો પર સોનાના વરખવાળી પ્રતીકાત્મક નોટોનો વરસાદ કરીને ભક્તિ અને સમૃદ્ધિનું અનોખું પ્રદર્શન કર્યું હતું.
મધરાતે જ્યારે આખું ગામ ભક્તિના રંગમાં રંગાયું હતું, ત્યારે ઉમેશ બારોટ, રાજદાન ગઢવી અને પૂનમ ગઢવી જેવા દિગ્ગજ કલાકારોએ શૌર્યગાથાઓ અને ભજનોની રમઝટ બોલાવી હતી. ડાયરામાં માહોલ ત્યારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે જોટંગીયા પરિવારના પ્રમુખ સંજયભાઈ જોટંગીયા અને પરિવારના અન્ય સભ્યોએ કલાકારો પર સોનાની ચમકતી નોટો ઉડાડવાનું શરૂ કર્યું. પરંપરાગત ‘ઘોળ’ કરવાની આ વૈભવી શૈલી જોઈને ઉપસ્થિત મેદની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.
આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ ન બની રહેતા નવી પેઢી માટે સંસ્કારોનું સિંચન કરવાનું માધ્યમ બન્યું હતું. પરિવારના વડીલોએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને તેમના પૂર્વજોના બલિદાન, ગૌરવશાળી વારસો અને પરંપરાથી અવગત કરાવવાનો છે. હજારોની સંખ્યામાં ઉમટેલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને આખું ભેડાપીપળીયા ગામ "આણંદ બાપા" ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

(6:48 PM IST)