News of Saturday, 4th April 2026
જામનગરની બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજમાં ચોરીના ૪ કિસ્સા ઝડપાયા : વિદ્યાર્થીઓએ કાપલીથી ચોરી કરી હોવાનું ખુલ્યું
ધોરણ ૧૦ અને ૧૨ના બે-બે વિદ્યાર્થીઓ રૂમાલ અને દુપટ્ટામાં ચીઠ્ઠી છુપાવી ગેરરીતિ કરતા કેમેરામાં કેદ : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બોર્ડને રિપોર્ટ સોંપાયો, હવે પરીક્ષા સમિતિ સમક્ષ હિયરિંગ બાદ લેવાશે આખરી નિર્ણય

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:જામનગર સહિત સમગ્ર રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે સીસીટીવી કેમેરાથી સજ્જ કેન્દ્રો પર કડક નજર રાખવામાં આવી હતી. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે જામનગર જિલ્લામાં કુલ ચાર વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિગતવાર અહેવાલ તૈયાર કરીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલી આપવામાં આવ્યો છે.
દુપટ્ટા અને રૂમાલમાં છુપાવી હતી કાપલીઓ
સીસીટીવી ફૂટેજની તપાસમાં જે વિગતો બહાર આવી છે તે મુજબ, ધોરણ ૧૦ના ૨ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૪ પરીક્ષાર્થીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન રૂમાલ, દુપટ્ટા અને અન્ય રીતે કાપલીઓ (ચીઠ્ઠીઓ) છુપાવીને ચોરી કરી હતી. વર્ગખંડમાં લગાવેલા હાઈ-ડેફિનેશન કેમેરામાં આ હિલચાલ સ્પષ્ટપણે ઝડપાઈ જતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
હિયરિંગ બાદ લેવાશે આખરી નિર્ણય
બોર્ડના નિયમોનુસાર, આ ચારેય કોપીકેસ અંગે હવે આગામી દિવસોમાં પરીક્ષા સમિતિ સમક્ષ હિયરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ હિયરિંગમાં સ્થાનિક શિક્ષણ અધિકારીઓ, સંબંધિત પરીક્ષાર્થીઓ અને સમિતિના સભ્યોની ઉપસ્થિતિ રહેશે. સમિતિ સમક્ષ વિદ્યાર્થીઓને તેમનો પક્ષ રાખવાની તક આપવામાં આવશે અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજને પુરાવા તરીકે ધ્યાને રાખીને આખરી નિર્ણય લેવામાં આવશે.
વિદ્યાર્થીઓમાં ફફડાટ
નોંધનીય છે કે પરીક્ષા દરમિયાન સુપરવાઈઝરની નજર ચૂકવીને ચોરી કરવામાં સફળ રહેલા આ વિદ્યાર્થીઓ હવે સીસીટીવી તપાસમાં ભેરવાયા છે. બોર્ડની પરીક્ષા સમિતિ આ કિસ્સામાં વિદ્યાર્થીઓને કેટલા વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકે છે અથવા શું દંડ ફટકારે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષામાં થતી ગેરરીતિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
