<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: કોંગ્રેસમાં જોડાયાના ૨૪ કલાકમાં જ નવનીત બાલધિયાએ માગવી પડી માફી, વિવાદિત નિવેદન બાદ લીધો 'યુ-ટર્ન'

હીરાભાઈ સોલંકી અને કુંવરજી બાવળિયા વિરુદ્ધ કરેલા બફાટથી કોળી સમાજમાં રોષ: બગદાણા હુમલાના પીડિતે વીડિયો જાહેર કરી ક્ષમાયાચના કરી, રાજકીય મોરચે ચર્ચાઓએ પકડ્યું જોર

બગદાણા : સૌરાષ્ટ્રના રાજકારણ અને કોળી સમાજમાં જાણીતો ચહેરો બનેલા નવનીત બાલધિયા ગઈકાલે જ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ ૨૪ કલાકમાં જ તેઓ મોટા વિવાદમાં સપડાયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં ખેસ ધારણ કર્યા બાદ નવનીત બાલધિયાએ ભાજપના કદાવર નેતાઓ અને કોળી સમાજના અગ્રણીઓ હીરાભાઈ સોલંકી તથા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જોકે, આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડતા આજે તેમણે જાહેર માફી માગવાની ફરજ પડી છે.
વિવાદની વિગત એવી છે કે, કોંગ્રેસમાં જોડાયા બાદ નવનીત બાલધિયાએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એવો આક્ષેપ કર્યો હતો કે, "હીરાભાઈ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયા મારો ફોન ઉપાડતા નથી, જેના કારણે હું કોંગ્રેસમાં જોડાયો છું." આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ કોળી સમાજના કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી જોવા મળી હતી. મામલો ગરમાતા નવનીતભાઈએ તુરંત જ નમતું જોખ્યું હતું અને એક વીડિયો સંદેશ મારફતે જણાવ્યું હતું કે, "મારાથી ભૂલથી બોલાઈ ગયું છે કે તેઓ ફોન ઉપાડતા નથી, તે બદલ હું હીરાભાઈ, કુંવરજીભાઈ અને મારા સમાજની ક્ષમા ચાહું છું."
ઉલ્લેખનીય છે કે નવનીત બાલધિયા ડિસેમ્બર ૨૦૨૫માં બગદાણા પાસે થયેલા જીવલેણ હુમલા બાદ ચર્ચામાં આવ્યા હતા. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સાથેના વિવાદ બાદ તેમના પર આઠ શખ્સોએ પાઈપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ કેસમાં SIT ની રચના થઈ હતી અને જયરાજ આહીરની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલમાં જયરાજ જેલમુક્ત છે, પરંતુ આ હુમલા બાદ નવનીત બાલધિયા સતત ન્યાયની માગ સાથે સક્રિય રહ્યા છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે તેમનું કોંગ્રેસમાં જવું અને તરત જ વિવાદમાં આવવું તે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચર્ચાનો વિષય બન્યો છે.

(10:03 PM IST)