News of Sunday, 5th April 2026
ભાવનગર અશાંતધારા ભંગ કેસમાં LCB નો મોટો સપાટો: ક્રેસન્ટ વિસ્તારમાં મિલકત સોદાના વિવાદમાં વધુ બે આરોપીઓ ઝડપાયા, ૯૩ લાખના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો
પૂર્વ મંજૂરી વગર મિલકત ટ્રાન્સફર કરવાનું કાવતરું પડકાયું: ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને જુનેદ ગનીયાણીને જેલના સળિયા પાછળ ધકેલાયા, અત્યાર સુધીમાં કુલ ૪ વિરુદ્ધ ગુનો નોંધાતા ભૂમાફિયાઓમાં ફફડાટ

ભાવનગર, તા.૪: ભાવનગર શહેરના પોશ અને અત્યંત સંવેદનશીલ ગણાતા ક્રેસન્ટ વિસ્તારમાં અશાંતધારાના નિયમોને નેવે મૂકીને મિલકત વેચાણના એક પેચીદા કિસ્સામાં પોલીસે ગાળિયો મજબૂત કર્યો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) આ મામલે કડક કાર્યવાહી કરતા વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. અશાંતધારાના કડક અમલ વચ્ચે થયેલી આ કાર્યવાહીએ મિલકત બજારના મોટા માથાઓની ઉંઘ ઉડાવી દીધી છે.
સમગ્ર મામલાની વિગત એવી છે કે, ક્રેસન્ટ વિસ્તારમાં અશાંતધારો (Disturbed Areas Act) અમલી હોવા છતાં, સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લીધા વગર જ મિલકત ટ્રાન્સફર અથવા વેચવાનો ગેરકાયદેસર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં LCB એ બાતમીના આધારે ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને જુનેદ ગનીયાણી નામના બે શખ્સોને દબોચી લીધા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૪ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં બેની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી.
પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી કડી ૯૩ લાખ રૂપિયાના આર્થિક વ્યવહારની મળી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ સોદાબાજી માટે આશરે ૯૩ લાખ રૂપિયાના શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને આ નાણાકીય હેરફેર કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આરોપીઓ મિલકતનો દસ્તાવેજ કરવા માટે નિયમોને બાયપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં આ કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં હજુ પણ અન્ય કેટલાક લોકોની સંડોવણી હોવાની આશંકાએ ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભાવનગર પોલીસની આ કડક કાર્યવાહીથી અશાંતધારા હેઠળના વિસ્તારોમાં મિલકતોના ગેરકાયદેસર સોદા કરનારા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
