તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
જામનગરમાં ACBનો સપાટો: લાખોના બિલ પાસ કરવાના બદલામાં લાંચ લેતા મદદનીશ ઈજનેર પકડાયા
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ પાસે ₹4.52 લાખની મસમોટી રકમ સ્વીકારતા વિજયકુમાર મીના રંગેહાથ ઝડપાયા અને ભ્રષ્ટ સરકારી બાબુઓની મિલીભગતનો પર્દાફાશ થતા ફફડાટ

જામનગર:જામનગર શહેરમાં ભ્રષ્ટાચારના રાક્ષસને નાથવા માટે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલઆંખ કરી છે. શહેરના જાણીતા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ વિસ્તારમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને મદદનીશ ઈજનેર વિજયકુમાર મીનાને રૂ. 4,52,000ની લાંચ લેતા દબોચી લીધા છે. સરકારી કચેરીઓમાં ચાલતા કમિશન રાજ અને વહીવટની ગંભીરતા આ કેસ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે, જ્યાં ઉચ્ચ પદ પર બેઠેલા અધિકારીઓ લોકસેવા કરવાને બદલે જનતાના પરસેવાના પૈસા પડાવવામાં વ્યસ્ત જોવા મળ્યા છે.
આ સમગ્ર પ્રકરણની વિગતો મુજબ, ઈલેક્ટ્રિક કામગીરીના બાકી નીકળતા બિલો મંજૂર કરવાના અવેજમાં આરોપી ઈજનેર દ્વારા ફરિયાદી પાસે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ અન્યાય સામે ઝૂકવાને બદલે ભ્રષ્ટાચાર વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો. એસીબીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમે વ્યૂહાત્મક રીતે જાળ બિછાવી હતી અને જેવો મદદનીશ ઈજનેરે લાંચનો રોકડ આંકડો હાથમાં લીધો કે તરત જ ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ પકડી પાડી કાયદાના સકંજામાં લીધા હતા.
આ સફળ કાર્યવાહી બાદ જામનગરના સરકારી વિભાગોમાં ખળભળાટ મચી ગયો છે. એસીબીની આ તવાઈથી અનેક ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. તપાસનીશ એજન્સી દ્વારા હાલ આરોપીની અસ્કયામતો અને અગાઉના વ્યવહારોની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એસીબીએ જનતાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી કામના બદલામાં નાણાંની માંગણી કરે તો નીડરતાથી ફરિયાદ કરવી, જેથી પારદર્શક વહીવટની દિશામાં મજબૂત પગલાં ભરી શકાય.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
