<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

કોડીનારના કેસરીયા ગઢમાં ગાબડું : પૂર્વ સંસદીય સચિવ જેઠા સોલંકીએ પંજાનો પક્ષ લેતા ગીર સોમનાથનું રાજકારણ ગરમાયું : ભાજપના પૂર્વ નેતા સુનીલ રાઠોડ હવે કોંગ્રેસના ઉમેદવાર

વડનગર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના આંતરિક અસંતોષનો વિસ્ફોટ : જૂના જોગીઓની અવગણના અને દલિત-પછાત વર્ગના મતોનું ધ્રુવીકરણ ભાજપ માટે મોટો પડકાર

કોડીનાર: ગીર સોમનાથ જિલ્લાના રાજકીય ફલક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપના શાસન હેઠળના ગઢ ગણાતા કોડીનાર તાલુકાના સિધાજ ગામેથી સત્તાધારી પક્ષ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને કદાવર નેતા જેઠાભાઈ સોલંકીએ પક્ષ સાથે છેડો ફાડીને ખુલ્લેઆમ કોંગ્રેસને વિજયી બનાવવાનું આહ્વાન કરતા રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફારના સંકેતો મળ્યા છે.
સિધાજ ગામમાં યોજાયેલી કોંગ્રેસની જંગી બેઠકમાં વર્ષોના ભાજપના વફાદાર ગણાતા પૂર્વ સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સુનીલ રાઠોડે પોતાના સમર્થકો સાથે ભાજપને તિલાંજલિ આપી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સુનીલ રાઠોડ માત્ર રાજકીય નેતા જ નહીં, પરંતુ રાનાવાળા હોસ્પિટલના ટ્રસ્ટી અને સુગર મિલના ડિરેક્ટર તરીકે પણ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. તેમના આ પગલાને જેઠાભાઈ સોલંકીએ જાહેર સમર્થન આપતા કોંગ્રેસના ખેમામાં ભારે ઉત્સાહ ફેલાયો છે. આ બેઠક દરમિયાન જ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પૂજા વંશે સુનીલ રાઠોડને વડનગર જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરીને ભાજપ સામે સીધો જંગ છેડી દીધો છે.
રાજકીય વિશ્લેષકો આ પક્ષપલટાને ભાજપના આંતરિક અસંતોષના પરિણામ તરીકે જોઈ રહ્યા છે. લાંબા સમયથી પક્ષમાં જૂના કાર્યકરોની થતી અવગણના હવે સપાટી પર આવી છે. જેઠા સોલંકીનો દલિત અને પછાત વર્ગના મતદારો પર સીધો પ્રભાવ હોવાથી, ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને મોટો ફાયદો થવાની શક્યતા સેવાઈ રહી છે. ભાજપ માટે પોતાનું સંગઠન વિખેરાતું બચાવવા માટે હવે મથામણ કરવી પડશે.
ઐતિહાસિક આંકડાઓ પર નજર કરીએ તો, કોડીનાર તાલુકા પંચાયતની ૨૪ બેઠકોમાંથી ભાજપ પાસે ૧૬ અને કોંગ્રેસ પાસે ૮ બેઠકો હતી, જ્યારે જિલ્લા પંચાયતની ૫ માંથી ૪ બેઠકો ભાજપ હસ્તક હતી. જોકે, આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોવાથી ત્રિપાંખિયો જંગ ખેલાશે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં કોડીનારનો આ 'રાજકીય ખેલ' સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના પરિણામો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે મતદારો આ ફેરબદલને કેવી રીતે પ્રતિસાદ આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

(4:02 PM IST)