<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

હળવદમાં જમીન વિવાદમાં લોહીની સગાઈ લજવાઈ: જેસીબીના ફોટા પાડતા આધેડ પર કુટુંબીજનોનો હુમલો

હળવદ : હળવદ શહેરના રાયસંગપર રોડ પર વડીલોપાર્જિત જમીનના ડખ્ખામાં કુટુંબીજનોએ જ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. શહેરના મોરબી દરવાજા વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ અમરશીભાઈ સોનાગ્રા ગઈકાલે સાંજે રાયસંગપર રોડ પર આવેલી પોતાની વાડીએ ગયા હતા. આ દરમિયાન તેમની વાડીની બાજુમાં જ આવેલી ભાયુભાગની જમીનમાં જેસીબી મશીન વડે કામગીરી ચાલી રહી હતી. અશ્વિનભાઈએ સાવચેતીના ભાગરૂપે પોતાના મોબાઈલ ફોનમાં જેસીબીના ફોટા પાડવાનું શરૂ કરતા જ પાડોશમાં જ જમીન ધરાવતા તેમના કુટુંબીજનો ઉશ્કેરાઈ ગયા હતા અને મામલો બિચક્યો હતો.

ફોટા પાડવાની બાબત કુટુંબીજનોને ન ગમતા મેહુલભાઈ ઈશ્વરભાઈ દલવાડી, જયદીપભાઈ રતિલાલ સોનાગ્રા, સવજીભાઈ છગનભાઈ અને મેહુલભાઈના પત્નીએ એકસંપ થઈને અશ્વિનભાઈ પર હુમલો કરી દીધો હતો. આરોપીઓએ આધેડને બેફામ ગાળો આપી ઢીકાપાટુનો મરણતોલ માર માર્યો હતો. એટલું જ નહીં, જમીન બાબતે અદાલતમાં જે કાયદાકીય લડત ચાલી રહી છે, તે કેસ તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવા માટે દબાણ કર્યું હતું. આરોપીઓએ જાહેરમાં ધમકી આપી હતી કે જો કોર્ટ કેસ પરત નહીં ખેંચાય તો તેમને જાનથી મારી નાખવામાં આવશે, જેના પગલે ભયનો માહોલ સર્જાયો હતો.

આ હિંસક બનાવ અંગે ભોગ બનનાર અશ્વિનભાઈ સોનાગ્રાએ હળવદ પોલીસ મથકમાં મહિલા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. જમીન જેવા મિલકતના વિવાદમાં જ્યારે પોતાના જ લોહીના સંબંધો દુશ્મન બનીને હુમલો કરે છે, ત્યારે સામાજિક વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં હળવદ પોલીસે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને વાડી વિસ્તારમાં ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.

(4:05 PM IST)