તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ગીર સોમનાથ પોલીસનો સપાટો: પરપ્રાંતીય મજૂરોની માહિતી છુપાવનાર ઝીંગા ફાર્મ માલિક વિરુદ્ધ કાયદાનો ગાળિયો
ડારી ગામના સંચાલકે જાહેરનામાનો સરેઆમ ભંગ કરી પોલીસ સ્ટેશનમાં નોંધણી વગર રાખ્યા હતા શ્રમિકો, એસ.ઓ.જી. શાખાના ઓચિંતા ચેકિંગમાં ભાંડો ફૂટતા પ્રભાસ પાટણ પોલીસ મથકે ગુનો દાખલ

પ્રભાસ પાટણ : ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાની સૂચના મુજબ એસ.ઓ.જી. શાખા દ્વારા વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમો, હોટલો અને ફાર્મ હાઉસમાં પરપ્રાંતીય મજૂરો અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ડારી ગામ પાસે આવેલી દોભાઈની દરગાહ નજીકના એક ઝીંગા ફાર્મ પર પોલીસ ત્રાટકી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ફાર્મના માલિકે ગુજરાત બહારના શ્રમિકોને કામે રાખ્યા હોવા છતાં તેની કોઈ પણ પ્રકારની જાણકારી સ્થાનિક પોલીસ સ્ટેશનને આપી ન હતી, જે નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાય છે.
એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનમાં ઝીંગા ફાર્મના સંચાલકની બેદરકારી સામે આવી હતી. નિયમ મુજબ, કોઈપણ કોન્ટ્રાક્ટર, સપ્લાયર કે એકમ માલિકે અન્ય રાજ્યના મજૂરોને કામે રાખતા પહેલા નિયત નમૂનામાં તેમની સંપૂર્ણ વિગત પોલીસને પૂરી પાડવી ફરજિયાત છે. આ મામલે ઝીંગા ફાર્મ માલિકે પોલીસની આંખમાં ધૂળ નાખીને ગુપ્ત રીતે મજૂરો પાસે કામ કરાવવાનું શરૂ કર્યું હતું. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ફાર્મ માલિક વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીને પગલે જિલ્લાના અન્ય ઔદ્યોગિક એકમો અને ફાર્મ માલિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કોઈ પણ સંચાલક પોતાના એકમમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોની નોંધણી કરાવવામાં આળસ કરશે અથવા માહિતી છુપાવશે, તો તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. સુરક્ષાની દૃષ્ટિએ આ પ્રકારની નોંધણી અત્યંત અનિવાર્ય છે, જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકાય. એસ.ઓ.જી.ના આ સપાટા બાદ હવે આગામી દિવસોમાં જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનું ચેકિંગ વધુ તેજ બનાવવામાં આવશે તેવી શક્યતા છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
