તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશન નજીક પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ: હજારો લીટર પાણીનો વેડફાટ
પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ કે અધિકારીઓ ઘટનાસ્થળે મોડા પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ

જામનગર શહેરમાં એક તરફ ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે અને નાગરિકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે. શહેરના બેડી મરીન પોલીસ સ્ટેશન નજીક, નેવી મથકને જોડતા મુખ્ય માર્ગ પર પસાર થતી પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાતા પાણીનો ફુવારો ઉડ્યો હતો.
રવિવાર અને રજાનો દિવસ હોવાથી, પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ કે અધિકારીઓ ઘટનાસ્થળે મોડા પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મુખ્ય માર્ગ પર પાણીનો મોટો ભરાવો થવાને કારણે વાહનચાલકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, જ્યાં એક તરફ લોકોને પીવા માટે પૂરતું પાણી મળતું નથી, ત્યાં આ પ્રકારે પાઈપલાઈન લીકેજ થવાથી લાખો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે.
સ્થાનિક જાગૃત નાગરિકોએ વિડિયોના માધ્યમથી આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તંત્રનું ધ્યાન દોર્યું હતું. તેમનો આક્ષેપ છે કે, પાઈપલાઈન લીકેજની ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવતા નથી. રજાના દિવસે પણ જવાબદાર અધિકારીઓએ આવી ગંભીર સમસ્યાને પહોંચી વળવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવી જોઈએ, પરંતુ અહીં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
નાગરિકોની માંગ છે કે, વહી ગયેલા આ પાણીની જવાબદારી તંત્ર સ્વીકારે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પાઈપલાઈનનું નિયમિત મેઈન્ટેનન્સ કરવામાં આવે. ભર ઉનાળે પાણીના ટીપે-ટીપે મોહતાજ લોકો માટે આ દ્રશ્યો અત્યંત દુઃખદાયક છે. હાલમાં સ્થાનિકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે પાઈપલાઈનનું સમારકામ પૂર્ણ થાય તેવી આશા રાખી રહ્યા છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
