News of Monday, 6th April 2026
સોરઠના નિષ્ઠાવાન જિલ્લા નર્સિંગ મહિલા અધિકારી લક્ષ્મીબેન પરમાર સેવા નિવૃતઃ શાહી વિદાયમાન
આરોગ્ય સેવાઓમાં સતત સાડા ત્રણ દાયકા સુધી અવિરત ઓતપ્રોત, હંમેશાં નર્સિગ સેવાઓ લોક સમર્પિત બનાવવાનો ધ્યેય જીવનમંત્ર સ્વરૂપે મૂર્તિમંત સંપન્નઃ સાહસિક, સશક્ત, ફરજનિષ્ઠ મહિલા અધિકારીની શ્રેષ્ઠ કામગીરી પ્રેરણાદાયી રહીઃ જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના વકતાઓના મુખે લક્ષ્મીબેનની કામગીરીની અસ્ખલિત સરાહનાઃ ઋણ સ્વીકાર સાથે લક્ષ્મીબેન પણ ભાવવિભોર બન્યા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૦૬: સોરઠના નિષ્ઠાવાન જિલ્લા નર્સિગ મહિલા અધિકારી સુશ્રી લક્ષ્મીબેન પરમાર સેવા નિવૃત થતા શાહી વિદાયમાન અપાયુ હતુ.
સમગ્ર સોરઠમાં જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય સેવાઓમાં ઓતપ્રોત, હંમેશાં નર્સિગ સેવાઓ લોક સમર્પિત બનાવવાનો જીવન મંત્ર લક્ષ્મીબેને વાસ્તવમાં ચરિતાર્થ કર્યો હતો. તેઓની સાહસિક, સશક્ત, ફરજાનિષ્ઠ મહિલા અધિકારીની શ્રેષ્ઠ કામગીરી પ્રેરણાદાયી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના વકતાઓએ લક્ષ્મીબેનની કામગીરીની સરાહના કરી હતી. ઋણ સ્વીકાર કરી લક્ષ્મીબેન પણ ભાવવિભોર બન્યા હતા.
સોરઠની પાવન ધરતી પર સુશ્રી લક્ષ્મીબેન પરમાર તા.૯ જુલાઈ ૧૯૯૧થી જૂનાગઢમાં સંકલીત બાળ વિકાસ યોજના વિભાગથી છેક જિલ્લા નર્સિગ અધિકારી તરીકેની અવિરત ૩૪ વર્ષ આઠ માસ અને ત્રેવીસ દિવસની સળંગ સેવા બજાવી સેવા નિવૃત થયા છે. તેણીએ જિલ્લાની આરોગ્ય સિસ્ટમના સેન્ટર પર સુપરવિઝનની કામગીરીનું તથા આરોગ્યના પ્રોગ્રામનું મોનીટરીંગ અને તાલીમનું મેનેજમેન્ટ સાંભળેલ જે કામગીરી હંમેશાં યાદગાર અને પ્રેરણાદાયી બની રહી છે.
જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગમાં જિલ્લા નર્સિગ અધિકારી તરીકે લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક, જવાબદારીપૂર્વક અને સમર્પણભાવથી સેવા આપનાર લક્ષ્મીબેન પરમારની સેવા નિવૃત્તિ નિમિત્તે ભવ્ય સન્માન સમારોહનું
માઉન્ટેન વ્યૂ રેસ્ટોરન્ટ ભવનાથ-જૂનાગઢ ખાતે ૩૧મી માર્ચ-૨૦૨૬ મંગળવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, પ્રશાસનિક કર્મચારીઓ તેમજ આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે તેમના મોટા ભાઈ અને પરિવારજનો 'યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરીકા'થી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શુભેચ્છા શબ્દો સાથે કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત અધિકારીઓએ લક્ષ્મીબેન પરમારના કાર્યજીવનની સિદ્ધિઓ અને તેમના યોગદાનને ઉજાગર કર્યું હતું. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન આરોગ્ય સેવાઓના વિકાસ માટે અનેક નવી પહેલો હાથ ધરી અને નર્સિગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે નોંધપાત્ર કામગીરી કરી હતી.
આ પ્રસંગનાં મુખ્ય અતિથી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.એસ. સાલ્વીએ જણાવ્યુ હતુ કે લક્ષ્મીબેન પરમારે તેમના કાર્યકાળ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને નર્સિગ સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની કાર્યપ્રણાલી, નેતૃત્વ ક્ષમતા અને દર્દીઓ પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ સૌ માટે પ્રેરણારૂપ રહ્યો છે.
નિષ્ઠાપૂર્વક અને સમર્પણભાવ સાથે નિર્વિઘ્ને સુખરૂ૫ સેવા આપી. નિવૃત થતાં લક્ષ્મીબેન પરમારને શુભકામના વ્યક્ત કરી તે માટે ઈશ્વરનો આભાર માનવા માટે ચર્ચ જુનાગઢના ફાધર શ્રી સુનિલ વસાવાએ આભાર સ્તુતિ પ્રસ્તુત કરી હતી આ વેળાએ ચર્ચ જુનાગઢના સભ્યો સાથે ઉપસ્થિત રહી શુભકામનાં પાઠવતા જણાવ્યુ હતુ કે આજનો દિવસ આનંદ અને વિયોગ બંને લાગણીઓ લઈને આવ્યો છે. આપણે અહીં એકત્ર થયા છીએ એક એવા પ્રિય સભ્ય લ્યુસીબેનને વિદાય આપવા, જેમણે પોતાની સેવા, સમર્પણ અને પ્રેમથી આપણા જીવનમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. વિદાય કોઈ અંત નથી, પરંતુ એક નવા આરંભનો પ્રારંભ છે. પ્રભુ દરેક વ્યક્તિ માટે નવી યોજના રાખે છે, અને આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે આગળનો માર્ગ પણ આશીર્વાદોથી ભરેલો રહેશે. આપણે યાદ રાખવું જોઈએ કે જ્યાં જ્યાં આપણે જઈએ, ત્યાં પ્રેમ, દયા અને સત્યનો પ્રકાશ ફેલાવીએ. આપની સેવા અને કાર્ય હંમેશા આપણને પ્રેરણા આપતું રહેશે. લ્યુસીબેનનાં ભવિષ્ય માટે પ્રભુ ઈસુ પાસે પ્રાર્થના કરીએ કે તેઓ આપને સારો આરોગ્ય, શાંતિ અને સફળતા આપે. પ્રભુ આપના દરેક પગલે માર્ગદર્શન આપે અને આપના જીવનને સુખ-સમૃદ્ધિથી ભરી દે.
આ પ્રસંગે લક્ષ્મીબેન પરમારને તેમની સેવા નિવૃત્તિના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવતા ભક્તકવિ નરસિહ મહેતા યુનિ.નાં મીડિયા કન્સલટન્ટ અશ્વિન પટેલે જણાવ્યુ હતુ કે સુશ્રી પરમારે આરોગ્ય ક્ષેત્રે આપેલ અમૂલ્ય યોગદાન હંમેશા યાદગાર રહેશે. તેમની સેવાભાવના, નેતૃત્વ અને માનવતાભર્યા સ્વભાવથી અનેક સાથીસેવા કર્મીઓનાં જીવનમાં સકારાત્મક ફેરફાર આવ્યો છે. શ્રી પટેલે જણાવ્યુ હતુ કે લક્ષ્મીબેન નવ જુલાઈ ૧૯૯૧થી જૂનાગઢમાં સંકલીત બાળ વિકાસ યોજના વિભાગથી છેક જિલ્લા નર્સિગ અધિકારી તરીકેની અવિરત ૩૪ વર્ષ આઠ માસ અને ત્રેવીસ દિવસની સળંગ સેવા બજાવી સેવા નિવૃત થયા છે. તેણીએ જિલ્લાની આરોગ્ય સિસ્ટમના સેન્ટર પર સુપરવિઝનની કામગીરીનું તથા આરોગ્યના પ્રોગ્રામનું મોનીટરીંગ અને તાલીમનું મેનેજમેન્ટ સાંભળેલ હતું. આ પ્રસંગે ડો. પુજા પ્રિયદર્શિની, મનોજ સુતરીયા, ડો. પી.એ.પઠાણ, ડો. દિનેશ વાછાણી, ડો. આર.આર. ચુડાસમા, ડો. ચંદ્રેશ વ્યાસ, ડો. જાવિયા, એડવોકેટશ્રી પંડ્યા, તાલાળા સીડીડીપીઓ, ભાવનાબેન સહિત તમામ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરોએ પોતાનાં શુભચ્છા પ્રવચનમાં સુશ્રી લક્ષ્મીબેનની સેવાભાવનાને બિરદાવી જણાવ્યું હતું કે લક્ષ્મીબેન પરમાર માત્ર એક અધિકારી તરીકે નહીં, પરંતુ માર્ગદર્શક અને પ્રેરણાષોત તરીકે પણ કાર્યરત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ અનેક નર્સિગ સ્ટાફે પોતાના કાર્યક્ષેત્રમાં ઉત્તમ પ્રગતિ કરી છે.
કાર્યક્રમ દરમિયાન લક્ષ્મીબેન પરમારને આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ શાલ, શ્રીફળ અને સ્મૃતિચિホ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ તેમની નિષ્ઠા, ઈમાનદારી અને કાર્યપ્રતિ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને નિવૃત્તિ બાદના જીવન માટે સ્વાસ્થ્ય, સુખ-શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે લક્ષ્મીબેન પરમારે ભાવવિભોર થઈ પોતાના અનુભવ વહેંચ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાન સહકર્મચારીઓ તથા અધિકારીઓ પાસેથી મળેલા સહકારને હંમેશા સ્મરણમાં રાખશે. તેમણે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સમારોહનો અંતે સમુહ ગરબા ગાન બાદ આભારવિધિ સાથે કરવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોના સહકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. સન્માન સમારોહ લક્ષ્મીબેન પરમારના ઉત્કૃષ્ટ સેવાકીય જીવનને સન્માનિત કરવાનો એક યાદગાર પ્રસંગ સાબિત થયો હતો.કાર્યક્રમનું સંચાલન વ્યાસભાઈએ કર્યુ હતુ.
સોરઠની પવિત્ર ધરતી પર સાડા ત્રણ દાયકા સુધી આરોગ્ય વિભાગમાં યાદગાર સેવાઓ આપનાર લક્ષ્મીબેન પરમારનુ જીવન પણ પ્રેરણારૂપ બની રહ્યું છે... તેઓ તાલાલા તાલુકામાં ૧૯૯૨ની સાલમાં પ્રથમ એવી ષી વ્યક્તિ હતા જે ટુ વ્હીલ વાહન લ્યુના ચલાવતા હતા અને ફોર વ્હીલરનું લાયસન્સ ધરાવતા હતા. જે પણ તેમની જે તે સમયે વિશેષ ઓળખ બની રહી હતી..!!
આ ઉપરાંત તેઓ સોસાયટી ઓફ મીડવિફરી ઇન ઇન્ડિયા (એસઓએમઆઈ) જે સંસ્થાનું હેડ ક્વાર્ટર હૈદરાબાદ ખાતે કાર્યરત છે. જેમાં લક્ષ્મીબેન ગુજરાત રાજ્યના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ ૨૦૦૭ થી ૨૦૨૩ સુધી સક્રિય રહ્યા હતા. જે સંસ્થા માતા અને બાળકોના કલ્યાણ માટે ની વિશેષ પોલિસી પર કામ કરે છે તે સંસ્થાના કાર્યોમાં ભાગીદાર રહ્યા છે.
સૌરાષ્ટ્રને કર્મભૂમિ બનાવી જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લામાં અવિરત સેવાઓ આપનાર લક્ષ્મીબેન સ્પષ્ટ વક્તા, પ્રમાણિકતાના આગ્રહી અને વફાદારીને હંમેશ પ્રાધાન્ય આપનાર અધિકારી તરીકેની આગવી છાપ ઉભી કરી શક્યા હતા.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
