<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

વાંકાનેર પાસે પંપમાંથી ગેરકાયદે જવલનશીલ પ્રવાહી સાથે રાજકોટના પ પકડાયાઃ ૪૮.૩૩ લાખનો મુદામાલ કબ્‍જે

ર૯ હજાર લીટર જવલનશીલ પ્રવાહી અને ટેન્‍કર કબ્‍જેઃ ભલગામ નજીક પંપમાં મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્‍કવોડ અને મોરબી તાલુકા પોલીસનો સંયુકત દરોડો

તસ્‍વીરમાં પકડાયેલ પ શખ્‍સો (નીચે બેઠેલા) સાથે પોલીસ સ્‍ટાફ, પંપ અને ટેન્‍કરો નજરે પડે છે. (તસ્‍વીર : લિતેશ ચંદારાણા વાંકાનેર) 

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૬ :.. વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ માલકીયા હોટલ પાસે કાર્યરત ‘એચ.એમ. એન્‍ટરપ્રાઇઝ' નામની પેઢીમાં મોરબી ક્રાઈમ બ્રાંચ અને વાંકાનેર પોલીસે સંયુક્‍ત ઓપરેશન હાથ ધરીને મોટા પાયે ચાલતા ગેરકાયદેસર ઈંધણના કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્‍થળ પરથી ૨૯,૦૦૦ લિટર શંકાસ્‍પદ જ્‍વલનશીલ પ્રવાહી (કિંમત રૂ. ૨૩,૨૦,૦૦૦/-) અને અન્‍ય સાધન-સામગ્રી મળી કુલ રૂ. ૪૮,૩૩,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત  કરી પાંચને ઝડપી લીધા હતાં.

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્‍કોડને સચોટ બાતમી મળી હતી કે, ‘મી માય ઇંકો એનર્જી ઇન ડીઝલ નામના પંપનો સંચાલક પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે બહારથી જ્‍વલનશીલ પ્રવાહીના ટેન્‍કરો મંગાવી સ્‍ટોરેજ ટાંકીમાં ભરે છે અને ટ્રકોમાં ઇંધણ તરીકે વેચાણ કરે છે. બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક (વાંકાનેર વિભાગ) અને વાંકાનેર તાલુકા પોલીસ ઈન્‍સ્‍પેકટરની ટીમે સંયુક્‍ત રીતે ત્રાટકીને આ કૌભાંડ ઝડપી પાડ્‍યું હતું.

પોલીસે રેડ દરમિયાન ૧. અજીતસિંહ નવધણસિંહ જાડેજા (સંચાલક, રહે. રાજકોટ), ૨. રવિભાઇ દાદભાઈ ધાધલ (રહે. રાજકોટ), ૩. નરેન્‍દ્રભાઈ પ્રવિણચંદ્ર જોષી (રહે. રાજકોટ), ૪. નયનભાઇ મોહનભાઇ મકવાણા (રહે. રાજકોટ), ૫. નયનભાઇ વિજયભાઇ વાળા (રહે. રાજકોટ)ને ઝડપી લીધા હતાં.

સ્‍થળ પરથી પોલીસે ટેન્‍કર જીજે ૧૨ એઝેડ ૯૭૮૧ માં ભરેલ જવલંતશીલ પ્રવાહી આશરે ૧૭,૦૦૦ લીટર કીમત રૂ ૧૩,૬૦,૦૦૦ અને ભોય તળિયે ટાંકીમાં ભરેલ પ્રવાહી આશરે ૧૨,૦૦૦ લીટર કીમત રૂ ૯,૬૦,૦૦૦ તેમજ ટેન્‍કર જીજે ૧૨ એઝેડ ૯૭૮૧ કીમત રૂ ૨૫ લાખ, પાઈપ, ઇલેક્‍ટ્રિક મોટર અને બે મોબાઈલ તેમજ ટેન્‍કરનો ગેટ પાસ અને ઇલેક્‍ટ્રિક બીલ અને ભાડા ખતની નકલ સહીત કુલ રૂ ૪૮,૩૩,૫૦૦ નો મુદામાલ સીઝ કરવામાં આવ્‍યો છે.

પોલીસ તપાસમાં આ જથ્‍થા અંગેના કોઇ પણ બિલ કે આધાર પુરાવા મળી આવ્‍યા ન હતા. આથી પોલીસે બીએનએસએસ કલમ ૧૦૬ (૧) મુજબ મુદામાલ કબ્‍જે કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે જાણવા જોગ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીથી ગેરકાયદેસર ઇંધણ વેચતા તત્‍વોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

આ કાર્યવાહી એસએચ.સારડા, નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ, એમ.પી. પંડયા પોલીસ ઇન્‍સ્‍પેકટર એલસીબી મોરબી, વાંકનેર તાલુકા પોલીસ તથા પીએસઆઇ વી.જી.માલાણી પેરોલ ફર્લો સ્‍કોડ મોરબી તથા એલસીબી પેરોલ ફર્લો સ્‍કોડ મોરબી તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્‍ટાફના માણસો જોડાયેલ હતા.

(11:44 AM IST)