<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

જુનાગઢ વોર્ડ નંબર ૩ના ભાજપના કોર્પોરેટર ગેરલાયક

જેલવાસને કારણે સામાન્‍ય સભામાં ગેરહાજર રહેતા કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. જુનાગઢ મનપાના વોર્ડ નંબર ૩ના ભાજપના કોર્પોરેટર અબ્‍બાસ ઈબ્રાહીમ કુરેશીને મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવતા હલચલ મચી ગઈ છે.

ભાજપના વોર્ડ નંબર-૩ના નગરસેવક અને ગેમ્‍બલર ગેંગના મુખ્‍ય સૂત્રધાર અબ્‍બાસ ઈબ્રાહીમ કુરેશી સામે થોડા સમય પહેલા પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો. આ ગંભીર ગુનામાં ધરપકડ થયા બાદ તેઓ હાલ જેલમાં છે. જેલવાસને કારણે તેઓ મહાનગરપાલિકાની સતત ૩ સામાન્‍ય સભામાં હાજર રહી શકયા ન હતા.

ગુજરાત પ્રોવિન્‍શિયલ મ્‍યુનિસિપલ કોર્પોરેશન એક્‍ટની જોગવાઈ મુજબ જો કોઈ સભ્‍ય પૂર્વ મંજૂરી વગર સતત ત્રણ સામાન્‍ય સભામાં ગેરહાજર રહે તો તેઓ સભ્‍યપદે ચાલુ રહેવા માટે લાયક રહેતા નથી. આ અંગેનો અહેવાલ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્‍યો હતો. મનપા કમિશનરે તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ અબ્‍બાસ કુરેશીને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવતો આદેશ કર્યો હતો.

મ્‍યુનિસિપલ કમિશનરની આ કાર્યવાહીથી વોર્ડ નંબર ૩ ની એક બેઠક ખાલી થઈ છે. નિયમ મુજબ બેઠક ખાલી પડ્‍યાના નિર્ધારિત સમયમાં ત્‍યાં પેટા ચૂંટણી યોજવી અનિવાર્ય છે. તેના પગલે આગામી સમયમાં વોર્ડ નંબર ૩ની આ બેઠક માટે પેટા ચૂંટણી યોજવામાં આવે તેવી પૂરેપૂરી શકયતા છે.

 

(12:18 PM IST)