<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

કુતિયાણાના માલ ગામ પાસે ઓવર બ્રીજને મંજુરી

માલ ગામ તથા આસપાસના ગામોના લોકોનો ર૦ વર્ષ જૂનો પ્રશ્‍ન હતોઃ ફોરલેન બન્‍યા બાદ ગ્રામ્‍યજનોને રોડક્રોસમાં ભારે મુશ્‍કેલી પડતી હતીઃ ફરજિયાત રોંગ સાઇડ જવુ પડતું હતું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ તા.૬, કુતિયાણાના માલ ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરીટીઝ દ્વારા ઓવરબ્રીજ બનાવવાને મંજુરી આપી છે. માલા ગામ તથા આસપાસના ગામના લોકોને આ ફોરલેન બન્‍યા બાદ રોડક્રોસ માટે ભારે મુશ્‍કેલી પડતી હતી.

પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે-૮,  ઉપર સન ૨૦૦૫-૨૦૦૬ માં ફોર લેન માર્ગ બન્‍યા સમયે ગ્રામીણ વાહનોના સડક ક્રોસ માટે રોડ ક્રોસ કે ઓવરબ્રિજ ના મળતા રોંગ સાઈડ અને વારંવાર અકસ્‍માતના બનાવો બનવાનો ગંભીર પ્રશ્‍ન હતો, કુતીયાણાના માલ ચોલીયાણા બાવળાવદર સહિતના ગામોની ૨૦ વર્ષ જૂની જટીલ સમસ્‍યા હતી.

માલ ગામના વતની અને સામાજીક કાર્યકર બાબરભાઇ વજશીભાઇ ખુંટી દ્વારા કરવામાં આવેલ લેખિત મૌખિક ટેલીફોનિક રૂબરૂ રજૂઆતો-મુલાકાતો, રાજકોટ ગાંધીનગર અને નવી દિલ્‍હી ખાતે ગત પાંચ વર્ષોથી સતત કરેલ રૂબરૂ રજૂઆતો તથા હાઇવે ઓથોરીટી દ્વારા આ જગ્‍યા પર થયેલ અઢારથી વધુ સ્‍થળ વિઝીટ પછી નેશનલ હાઇવે ઓથોરિટી (કેન્‍દ્ર સરકાર) દ્વારા ઓવરબ્રિજની મંજૂરી તથા ટેન્‍ડર જાહેર કરવામા આવ્‍યુ,

સામાજિક કાર્યકર બાબરભાઇએ ભારત સરકારના કેન્‍દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીજી તથા આ  લડતમાં સાથ અને સહકાર આપી તેને મંજૂરી સુધી પહોંચાડવામાં મદદ કરનાર ભારત સરકારના પૂર્વ કેન્‍દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલા, કુતીયાણા રાણાવાવના ધારાસભ્‍યશ્રી કાંધલભાઈ સરમણભાઇ જાડેજા, પુર્વ કેબિનેટ મિનિસ્‍ટરશ્રી બાબુભાઈ બોખીરીયા, કેબિનેટ મિનિસ્‍ટર શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાનો આભાર માન્‍યો હતો.

(1:34 PM IST)