<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

પોરબંદર જિલ્લામાં ચૂંટણી આચારસંહિતા અમલીઃ ૨૬મીએ મતદાન

જિલ્લાની વિવિધ સ્‍થાનિક સ્‍વરાજય સંસ્‍થાઓની ચૂંટણીમાં ૪ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશેઃ ૧૩મીએ ઉમેદવારી પત્રોની ચકાસણીઃ ૨૮મીએ મતગણતરી : જિલ્લા મુખ્‍ય ચૂંટણી અધિકારી અને કલેકટર એસ.ડી. ધાનાણી દ્વારા સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૬:  જિલ્લા કલેક્‍ટર અને મુખ્‍ય જિલ્લા ચૂંટણી અધિકારી એસ. ડી. ધાનાણીશ્રીએ પોરબંદર જિલ્લાના સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓ અંગે વિગતવાર કાર્યક્રમની માહિતી આપતા  જણાવ્‍યું હતું કે, રાજ્‍ય ચૂંટણી આયોગ દ્વારા ૧લી એપ્રિલ ૨૦૨૬ના રોજ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો છે. આ જાહેરાતની સાથે જ સમગ્ર પોરબંદર જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.

કલેક્‍ટર એસ. ડી. ધાનાણીશ્રીએ જણાવ્‍યું કે, આગામી ૬ઠ્ઠી ના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, જેની સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૧મી એપ્રિલ રહેશે, જ્‍યારે ૧૩મી એ ફોર્મની ચકાસણી અને ૧૫મી એ સુધીમાં ફોર્મ ખેંચી શકાશે. જિલ્લામાં મતદાન ૨૬મી, રવિવારના રોજ સવારે ૭ થી સાંજના ૬ વાગ્‍યા સુધી યોજાશે અને ૨૮મી એ મતગણતરી હાથ ધરીને ૩૦મી એપ્રિલ સુધીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ જિલ્લામાં યોજાનારી આ ચૂંટણીઓમાં મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠકો, જિલ્લા પંચાયતની ૧૮ બેઠકો તેમજ પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતની કુલ ૫૪ બેઠકો માટે સામાન્‍ય ચૂંટણી યોજાશે. આ ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી જેમાં રાણાવાવ નગરપાલિકામાં વોર્ડ નંબર ૬ની ત્રીજી બેઠક પછાત વર્ગ અને કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર ૬ની ચોથી બેઠક સામાન્‍ય વર્ગની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાશે.

કલેક્‍ટર એસ.ડી.ધાનાણીએ જણાવ્‍યું કે, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે જિલ્લામાં કુલ ૨૮૭ મતદાન મથકો પર ૨,૩૪,૯૧૦ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જ્‍યારે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી માટે ૨૦૦ મતદાન મથકો પર ૧,૭૩,૧૬૩ મતદારો નોંધાયેલા છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકોની યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે અને રાજકીય પક્ષોના સૂચનો બાદ ૭મી એપ્રિલે આખરી યાદી પ્રસિદ્ધ કરાશે.

મતદાર યાદી અંગે કલેકટર એસ.ડી.ધાનાણીએ જણાવ્‍યું કે, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખના આગલા દિવસ એટલે કે ૧૦મી એપ્રિલ સુધી નાગરિકો મતદાર યાદીમાં નામ સુધારણા કે ફેરફાર કરાવી શકાશે. જોકે, મહાનગરપાલિકા અને નગરપાલિકાના કિસ્‍સામાં ૧લી એપ્રિલની મધ્‍યરાત્રિની સ્‍થિતિએ જે યાદી છે તે જ માન્‍ય રહેશે.

આચારસંહિતાના ચુસ્‍ત પાલન માટે રાજકીય પક્ષોને અપીલ કરતા તેમણે જણાવ્‍યું કે, પ્રચાર દરમિયાન કોઈપણ વ્‍યક્‍તિગત ટીકા-ટિપ્‍પણી ટાળવી અને સભા, સરઘસ કે રેલી માટે સંબંધિત ચૂંટણી અધિકારી (મામલતદાર કે પ્રાંત) ની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. કલેક્‍ટર એસ.ડી. ધાનાણીએ જિલ્લાના તમામ નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્‍સાહભેર જોડાઈને મોટી સંખ્‍યામાં મતદાન કરવા અને લોકશાહીને મજબૂત બનાવવા અનુરોધ કર્યો છે.

(1:35 PM IST)