<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની ઐતિહાસિક અઢી લાખ ગુણીની આવક :વાહનોની લાંબી કતારો

ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ઘઉંના જથ્થા સાથે ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા

( ભાવેશ ભોજાણી દ્વારા ) ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક શરૂ કરાતા ઐતિહાસિક આવક થઈ હતી. યાર્ડમાં કુલ અંદાજે અઢી લાખ ગુણીની આવક થતા યાર્ડમાં ઘઉંના ડુંગરો જોવા મળ્યા હતા. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ઘઉંના જથ્થા સાથે ગોંડલ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. મોટી આવકને કારણે યાર્ડમાં ખરીદી-વેચાણની પ્રક્રિયા સતત ચાલી રહી હતી.ખેડૂતોને ઘઉંના 20 કિલોગ્રામ દીઠ રૂપિયા 450 થી 750 સુધીના ભાવ મળી રહ્યા છે.

મોટી આવક અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હાલ માટે યાર્ડમાં ઘઉંની આવક પર બંધ કરવામાં આવી છે. બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી નવી આવક સ્વીકારવામાં નહીં આવે તેવી યાર્ડના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે

ગોંડલ યાર્ડ તેની પારદર્શક હરાજી અને ઝડપી ચૂકવણી માટે જાણીતું છે, તેથી માત્ર સ્થાનિક જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા આવે છે. ઘઉંના આટલા મોટા જથ્થાને કારણે યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ઘઉંના ડુંગરો જ નજરે પડતા હતા. વ્યવસ્થા જાળવવા માટે યાર્ડના સત્તાધીશો દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા હતા.

(6:52 PM IST)