News of Monday, 6th April 2026
રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી ભાજપ સુધી અવિરત રહ્યું : સિહોરમાં પક્ષના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
પીઢ અગ્રણી ઈન્દ્રવિજયસિંહ જાડેજાએ કાર્યકર્તાઓને સાંસ્કૃતિક વારસાને વાગોળવા હાકલ કરી : ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં યોજાયેલા સમારોહમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કાર્યકર્તાઓ

સિહોર:ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સિહોર ખાતે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના પીઢ અગ્રણી અને પૂર્વ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાએ પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર લઈ જવાનું કાર્ય જનસંઘથી શરૂ કરીને આજની ભાજપ સુધી સતત ચાલતું રહ્યું છે, જેનું આપણને સૌને ગૌરવ છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
તવારીખ સાથેનો ઇતિહાસ રજૂ કરાયો:
પોતાના સંબોધનમાં ઈન્દ્રવિજયસિંહ જાડેજાએ સ્વતંત્રતા લડતથી માંડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જનસંઘની સ્થાપના, કટોકટીનો કાળ અને ભાજપની સ્થાપના સુધીની તમામ મહત્વની ઘટનાઓનો તવારીખ સાથેનો ઈતિહાસ રજૂ કર્યો હતો. તેમણે કાર્યકર્તાઓને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાણવા અને તેને સતત વાગોળતા રહેવા પર ખાસ ભાર મૂક્યો હતો. સ્થાપના દિવસના આ અવસરે શ્યામાપ્રસાદ મુખર્જી, કેશવ બલિરામ હેડગેવારજી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી બાજપાઈથી લઈને લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી સુધીની નેતૃત્વ સિદ્ધિઓની સ્મરણ યાત્રા રજૂ કરવામાં આવી હતી.
નેતૃત્વ અને સંકલ્પબદ્ધતા:
આ પ્રસંગે ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયાએ જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોએ રાષ્ટ્ર માટે જે સંકલ્પ કર્યો હતો, તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાકાર કરીને માં ભારતીના ચરણે અર્પણ કર્યો છે. સમારોહના પ્રારંભે જિલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે સૌ કાર્યકર્તાઓને રાષ્ટ્ર અને પક્ષના હિતમાં સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી. તેમણે આગામી ચૂંટણીઓમાં વિરોધીઓના આક્ષેપોને નકારીને સૌને ખભેખભા મિલાવીને કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
મહાનુભાવોની ઉપસ્થિતિ:
કાર્યક્રમના પ્રારંભમાં મહામંત્રી ગેમાભાઈ ડાંગરે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે અંતમાં ગોપાલભાઈ વાઘેલાએ આભાર વિધિ કરી હતી. યુવા મોરચા અધ્યક્ષ રવિભાઈ બારૈયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ સમારોહમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, નગરપાલિકા અધ્યક્ષ જાગૃતિબેન રાઠોડ, અગ્રણીઓ હર્ષદભાઈ દવે, વિરજીભાઈ સોરઠિયા, શહેર પ્રમુખ નિલેશભાઈ જાની, ગ્રામ્ય પ્રમુખ ભોજુભાઈ ડાંગર સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા, તેમ પ્રચાર સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
