<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

પોરબંદરમાં જાહેર સ્‍થળોમાં ઘાસચારો વેંચતા ર ઝડપાયાઃ ર-ર હજારનો દંડ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૭: જાહેર સ્‍થળોમાં ઘાસચારો વેંચીને ગંદકી ફેલાવતા ર વ્‍યકિતઓને મહાનગરપાલિકા સેનિટેશનની ટીમે પકડીને બન્નેને ર-ર હજારનો દંડ ફટકાર્યો છે.

પોરબંદર મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સેનિટેશન વિભાગ દ્વારા શહેરમાં સ્‍વચ્‍છતા જળવાઈ રહે તેમજ જાહેર સ્‍થળો પર ગંદકી ન ફેલાય તે હેતુસર અભિયાન અંતર્ગત જાહેરમાં ગેરકાયદે ઘાસચારો વેચવાના બનાવોમાં જવાબદાર વ્‍યક્‍તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આર્કેડ વિસ્‍તાર પાસે સેનીટેશન વિભાગના સબ ઈન્‍સ્‍પેકટર તથા વોર્ડ સુપરવાઈઝર દ્વારા ચકાસણી દરમિયાન જાહેરમાં ઘાસચારો વેચતા એક વ્‍યક્‍તિને પકડી પાડવામાં આવ્‍યા હતા. આ મામલે સંબંધિત વ્‍યક્‍તિ સામે કાર્યવાહી કરીને રૂ. ૨૦૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્‍યો હતો તેમજ અંદાજિત ૫ મણ ઘાસચારો જપ્ત કરવામાં આવ્‍યો હતો. ઉપરાંત પરેશનગર વિસ્‍તારમાં પણ સમાન પ્રકારની ચકાસણી દરમિયાન જાહેરમાં ઘાસચારો વેચતા બીજા એક વ્‍યક્‍તિને પકડી પાડવામાં આવ્‍યા હતા. આ કેસમાં પણ રૂ. ૨૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્‍યો હતો અને અંદાજિત ૭ મણ ઘાસચારો જપ્ત કરવામાં આવ્‍યો હતો. જપ્ત કરાયેલો ઘાસચારો ઓડદર ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્‍યો હતો.

મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ અધિકારીઓએ જણાવ્‍યું હતું કે શહેરમાં સ્‍વચ્‍છતા જાળવવા માટે જાહેર સ્‍થળો પર કચરો ફેંકતા, ઘાસચારો વેચી કે અન્‍ય કોઈ રીતે ગંદકી ફેંકનારાઓ સામે આવી જ રીતે કડક પગલાં લેવામાં આવશે. સ્‍વચ્‍છતા નિયમોનું પાલન કરી, શહેરને સ્‍વચ્‍છ અને સ્‍વસ્‍થ બનાવવા સહયોગ આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

(11:57 AM IST)